અમદાવાદ-

આગામી 15 મેના અરબ સાગરમાં 2021નું પહેલું ચક્રવતી વાવાઝોડુ "તૌકતે" આવવાની સંભાવના ઉભી થઈ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 14 મેની સવારે દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં નીચા દબાણવાળા વિસ્તારમાં ચક્રવાત ઊભો થવાની શક્યતા છે અને 16 મેની આજુબાજુ આ ચક્રવાત તીવ્ર બને એવી સંભાવના છે. જેમાં કચ્છ તથા કરાંચીની આસપાસ 19-20મેના પહોંચીને વધુ અસર કરી શકે છે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલમાં ચક્રવાત "તૌકતે"ની અસર લક્ષદ્વીપ વિસ્તારમાં વર્તાઈ રહી છે. આગામી 24 કલાક દરમિયાન આ ચક્રવાત તીવ્ર બનશે અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. વાવાઝોડાની સંભવિત અસર કચ્છમાં પણ જોવા મળશે અને તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર, કોસ્ટગાર્ડ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સાવધાનીના આગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. વાવાઝોડાથી કોઈ મોટી જાનહાનિ સર્જાય નહીં તથા બચાવ માટેની પ્રક્રિયા અંગે તંત્ર દ્વારા સૂચનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે શુક્રવારે માછીમારી કરતા લોકોને પરત કિનારે આવવા સૂચનો કરાયાં હતાં.