ડાંગ જિલ્લાને સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીનો જિલ્લો બનાવાશે
23, જુન 2021

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૧નો ગાંધીનગરથી વચ્ર્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીના ૧૪ આદિજાતિ જિલ્લાના ૧ લાખ ૨૬ હજાર જેટલા વનબંધુ ખેડૂતોને રૂ. ૩૧ કરોડની માતબર રકમથી ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ આ વર્ષે અપાશે. રાજ્ય સરકારે પાછલા એક દશક એટલે કે ૧૦ વર્ષમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અન્વયે કુલ ૧૦ લાખ વનબંધુ ખેડૂતોને રૂ. ૨૫૦ કરોડની સહાય આપી છે. આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતો પરંપરાગત ખેતીને સ્થાને ટેકનોલોજીના વિનિયોગથી આધુનિક ખેતી તરફ વળે અને આર્થિક સમૃદ્ધિ મેળવે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના આદિજાતિ ખેડૂતોને સંબોધન કર્યું હતું. તેમણે વનબંધુ કલ્યાણ યોજના દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારના લોકો તેમજ ખેડૂતોના પરિવારોના શિક્ષણ આરોગ્ય રોજગારી સહિતના સર્વગ્રાહી વિકાસને નવી દિશા મળી છે તેવો મત પણ વ્યક્ત કર્યો હતો. વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યના આદિજાતી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તે દ્વારા પણ સારું ખેત ઉત્પાદન મેળવે તેવી નેમ રાખી છે. ડાંગ જિલ્લાને સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીનો જિલ્લો બનાવવામાં આવી રહ્યો છે. રાજ્યના આદિજાતી ખેડૂતો તેમને મળનારી સહાય લાભથી આ વર્ષે વધુ ખેત પેદાશો ઉત્પાદન કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. કૃષિ વૈવિધ્યકરણ યોજનાના શુભારંભ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવા તેમજ આદિજાતિ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution