આહવા-

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિશેષ કરીને ગ્રામીણ ક્ષેત્રોમા વ્યાપક સફાઈ ઝુંબેશ સાથે,સ્વચ્છ જીવનશૈલીનો સંદેશ આપતા ડાંગ કલેક્ટર ભાવિન પંડયા એ આહવા ખાતેના એસ.ટી. ડેપોએ થી ક્લિન ઈન્ડિયાનુ બ્યૂગલ ફૂંકયુ છે. ભારત સરકાર દ્વારા તારીખ 1 થી 31મી ઓક્ટોબર દરમિયાન આયોજિત ‘ક્લિન ઈન્ડિયા’ મુવમેન્ટના ભાગરૂપે આયોજિત સ્વચ્છ ભારત મિશનના શુભારંભ કાર્યક્રમનો પ્રારંભ કરાતા કલેક્ટર પંડયા એ પ્રજાજનોના સહયોગ સાથે વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો, જનપ્રતિનિધિઓ, ગ્રામીણ કર્મચારીઓ વિગેરેની ભાગીદારીથી આખા માસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે તેમા સહયોગી બનવાની અપીલ કરી હતી.

 આહવા એસ.ટી. ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પ્રજાજોગ સંદેશમા કલેક્ટર પંડયા એ ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ ની વિભાવના સ્પષ્ટ કરી માસ દરમિયાન દરેક સરકારી કચેરીઓ, સ્કૂલ કોલેજો,જાહેર સ્થળો, સ્મારકો, જિલ્લાના જળ સ્ત્રોતો વિગેરેની વ્યાપક સ્વચ્છતા હાથ ધરી જનજનમા સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ કેળવવામા આવશે તેમ જણાવ્યુ હતુ. આ કાર્યક્રમ વેળા જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક નિલેષ પંડયા,નિવાસી અધિક કલેક્ટર પદ્મરાજ ગામિત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એન.ચૌધરી,પ્રયોજના વહીવટદાર કે.જી.ભગોરા સહિતના અધિકારીઓ એ ઉપસ્થિત રહી જનચેતના જગાવી હતી. નહેરુ યુવા કેન્દ્રના સંયોજક અનુપ ઇંગોલે એ કાર્યયોજના રજૂ કરી મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતુ. આહવાના સરપંચ શ્રી હરિરામ સાવંતે સફાઈ કર્મચારીઓની ટિમ સાથે ઉપસ્થિત રહી યોગદાન આપ્યુ હતુ. આ વેળા મહાનુભાવો તથા પ્રજાજનોએ સ્વચ્છતાના શપથ લઈને ક્લિન ઈન્ડિયા મુવમેન્ટમા પોતાનુ યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.