વડોદરા, તા.૨૬

વડોદરા શહેર-જિલ્લામાં ચાલી રહેલ બેવડી ઋતુમાં કોરોનાના કેસમાં આંશિક વધારો નોંધાઈ રહ્યો હોવાનું જાેવા મળી રહ્યું છે. વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન આજે શહેરમાં નવા ૧૪ જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. હોમ આઈસોલેશનમાં પણ દર્દીઓનો વધારો નોંધાઈ રહ્યો છે. હાલ હોમ આઈસોલેશનમાં દર્દીઓની સંખ્યા ૬૮ ઉપર પહોંચી છે, જેને કારણે સ્થાનિક આરોગ્યતંત્ર એલર્ટ બન્યું છે અને શહેરીજનો માટે કોરોના વાઈરસથી બચવા માટે માસ્ક પહેરવાની અપીલ કરાઈ છે. હાલ શહેર-જિલ્લામાં બેવડીઋતુનો માહોલ ચાલી રહ્યો છે, તેવા સમયે કમોસમી વરસાદના માવઠાં થતાં પડયા પર પાટંુ મારવા જેવી સ્થિતિ સર્જાતાં સિઝનલ રોગચાળો વકર્યો છે. જેને લીધે સિઝનલ રોગ શરદી, ખાંસી, તાવ, સાંધાનો દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં તકલીફ જેવી બીમારીઓ થતાં શહેરમાં ઘેર-ઘેર બીમારી જાેવા મળી રહી છે. આ બીમારીની સાથે કોરોનાએ પણ માથું ઊંચકતાં કોરોનાના કેસોમાં પણ આંશિક વધારો જાેવા મળી રહ્યો છે. આ વધારો છેલ્લા દસ-પંદર દિવસમાં જાેવા મળ્યો છે. કોરોના પર અંકુશ મેળવવા માટે પાલિકાના આરોગ્યતંત્રે સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્વેની કામગીરી સાથે આરોગ્યલક્ષી કાર્યવાહી હાથ ધર છે. દિવસ દરમિયાન ૫૪૩ જેટલા લોકોના સેમ્પલો ટેસ્ટ માટે લેવાયાં હતાં જેમાં ૧૪ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત ૬૮ એક્ટિવ કેસ પૈકી ૬૪ કેસ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે જેમાં ચાર દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે અને બે દર્દીઓ ઓક્સિજન ઉપર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.