વડોદરા, તા.૮

વડોદરાના મહિલા ધારાસભ્ય દ્વારા શહેરની સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર સુવિધા માટે રૂા. રર લાખની ગ્રાન્ટમાંથી સાધન સહાયના લોકાર્પણનો કાર્યક્રમ ગુરુવારના રોજ સાંજે સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ સહિત ધારાસભ્યો અને પદાધિકારીઓ તેમજ હોસ્પિટલના સત્તાધીશો ઉપસ્થિત રહ્યા હતા.

શહેરના અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમાબેન મોહિલે જણાવ્યું કે, સરકારી હોસ્પિટલમાં છેવાડાના માનવીઓ સારવાર માટે આવતા હોવાથી દર્દીઓની સારવાર માટે સાધન સુવિધા મળે તેમજ તબીબો અદ્યતન સાધનોની ખેંચ ન અનુભવે તેવા શુભઆશયથી સારવારના સાધનોની સહાય કરવામાં આવી હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

જ્યારે સયાજી હોસ્પિટલના અધિક્ષક ડો. રંજન ઐયરે જણાવ્યું કે, કોરોનાકાળમાં શક્ય તેટલી શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર સારવારથી વિશ્વસનીયતા વધી છે, જેની વિવિધ સંસ્થાઓ તરફથી હોસ્પિટલમાં સારવાર માટે સાધન સહાયમાં વૃદ્ધિ થયાની લાગણી વ્યક્ત કરી ઉદારભાવે હોસ્પિટલને સખાવત આપનાર સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.