વડોદરા, તા.૩

વડોદરા નજીક નંદેસરી જીઆઈડીસી સ્થિત દીપક નાઈટ્રેટ કંપનીમાં ગુરુવારે સાંજે લાગેલી આગ પર મોડી રાત્રે કાબૂ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડ દ્વારા સવાર સુધી કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદ્‌નસીબે ધડામ સાથે ફાટી નીકળેલી આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જાે કે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ બહાર આવશે. જ્યારે ઈન્ડસ્ટ્રીયલ સેફટી ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

નંદેસરી જીઆઈડીસીની દીપક નાઈટ્રેટ કંપનીમાં ગઈકાલે સાંજે વિકરાળ આગ ફાટી નીકળતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગની આ ઘટનામાં સાત કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આગ બૂઝાવવાની કામગીરીમાં વડોદરા ફાયર બ્રિગેડના આધુનિક ફાયર ફાઈટરો સહિત નવ વાહનો અને ૬૦ કર્મચારીઓએ ૧૦ હજાર લિટર ફોર્મ અને એક લાખ લિટર કરતાં વધુ પાણીનો ઉપયોગ કરીને મોડી રાત્રે આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યાર બાદ ફાયર બ્રિગેડે સારવાર સુધી કુલિંગની કામગીરી હાથ ધરી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગને પગલે કંપનીમાં ભારે નુકસાન થયું હતું. જાે કે, આગ બોઈલર ફાટવાને કારણે નહીં તો કયા કારણોસર લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આજે સવારે કંપનીની બહાર સ્થાનિક તેમજ આસપાસના ગ્રામજનોના ટોળાં ઉમટી પડયાં હતાં.

કેમિકલની અસરથી બચવા લાશ્કરોને નાહવાની ફરજ પડી

કંપનીમાં લાગેલી આગને પગલે વેરહાઉસમાં સોડિયમ નાઇટ્રેટનાં ડ્રમ ભરેલા હોવાથી કેમિકલની અસરથી ફાયરબ્રિગેડના કર્મચારીઓને બચાવવા માટે તેમને ફાયર એન્જિનના પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. કેમિકલને પગલે તેમના શરીરને નુકસાન થવાની શક્યતાને પગલે જે કર્મચારીઓ આગળ કામ કરી રહ્યા હતા તેમને ત્યાં નવડાવીને પછી ફરી કામે લગાડ્યા હતા. જાેકે, કામગીરી દરમિયાન દિપક પરમાર નામના કર્મચારી કેમિકલના કારણે પગે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેમની તબીયત સુઘારા પર હોંવાનુ ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યુ હતુ.

દીપક નાઇટ્રેટ કંપનીમાં આગની ઘટનાની તપાસ કરવામાં આવશે ઃ હર્ષ સંઘવી

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઔદ્યોગિક એકમમાં કોઈપણ પ્રકારની આગ કે ધડાકાની ઘટના હોય તેની તમામ સ્તરે તપાસ કરવામાં આવતી હોય છે. એ જ રીતે ગઈકાલે બનેલા બનાવની પણ તમામ તપાસ કરાવવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કે,વધુમાં ભરતસિંહના વિવાદિત વિડિઓ મામલે આડકતરી રીતે કહ્યું કે, તેઓ શું કરે છે તે કહેવાની જરૂર નથી બધાજ જાણે છે. તેમણે આ ઉંમરે શુ કર્યું છે અને તે મારા પિતાની ઉંમરના છે અને મારી ઉંમર ઘણી નાની છે. મારા એ સંસ્કાર નથી કે, હું તેમના મામલે કાંઈ કહી શકું. પણ લોકો બધુ જ જાણે છે.

દીપક નાઈટ્રેટની આગમાં બોઈલર બ્લાસ્ટ થયો નથી

વડોદરા નજીક નંદેસરી જીઆઈડીસી સ્થિત દીપક નાઈટ્રેટ નામની કંપનીમાં ગુરુવારના રોજ લાગેલી આગ બોઇલર ફાટવાને કારણે લાગી નથી. તેમ નાયબ નિયામક, બોઈલરોની કચેરીના મદદનીશ નિયામક બી. એ. બારડે જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના બાદ કંપનીના બોઈલરોમાં તપાસ કરવામાં આવી છે. જેમાં કોઈ બોઈલરમાં અકસ્માત કે નુકસાન થયું હોવાનું જણાયું નથી. જેથી બોઈલર બ્લાસ્ટ થયો નથી. વધુમાં, આ કંપનીના બોઈલરોની ગત તા. ૧૨ મેના રોજ સ્ટીમ ટેસ્ટ કરી તપાસ કરવામાં આવી હતી. જ્યારે તા. ૨૧/૪/૨૦૨૨ના રોજ વાર્ષિક તપાસ કરવામાં આવી હતી.