દિલ્હી-

દેશના પાટનગર નવી દિલ્હીમાં ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં થયેલા હિંસક તોફાનો માટે પકડાયેલી કોંગ્રેસની ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર ઇશરત જહાંની રાહત માગતી અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. ફેબ્રુઆરીની 26મીએ દિલ્હી પોલીસે ઇશરત જહાંની ધરપકડ કરી હતી અને કેસમાં વધુ વિગતે તપાસ કરવા પતિયાલા હાઉસ કોર્ટે પોલીસને 60 દિવસનો સમય આપ્યો હતો.

પતિયાલા હાઉસ કોર્ટના આ ર્નિણયને ઇશરત જહાંએ દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ચાલુ માસની ૨૦મીએ હાઇકોર્ટે પોતાનો ચુકાદો રિઝર્વ રાખ્યો હતો. આજે સવારે દિલ્હી હાઇકોર્ટે ઇશરતની અરજી ફગાવી દીધી હતી. દિલ્હી પોલીસે નીચલી અદાલતને એવી માહિતી આપી હતી કે ખાલિદ સૈફી નામના ઇસ્લામી ઉપદેશક અને ભાગેડુ ઝાકિર નાઇક સહિત કેટલાક લોકોએ વિદેશની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ દિલ્હીની ઘટના બની હતી. વિદેશોની મુલાકાત લેવા પાછળ આ લોકોનો ઉદ્દેશ પોતાના ગુપ્ત પ્લાન માટે નાણાં મેળવવાનો હતો. ઇશરતને કોઇ ગુપ્ત માધ્યમ દ્વારા અને ખાલિદ સૈફીને પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા દ્વારા મબલખ નાણાં મળ્યા હતા. આ બાબતની ઊંડી તપાસ માટે અમને વધુ સમયની જરૂર છે.

ઇશરતે માગેલી રાહતની અરજી પર દિલ્હી પોલીસે રજૂ કરેલી એફિડેવિટનો અભ્યાસ કોર્ટ દ્વારા હજુ ચાલુ હતો અને નીચલી અદાલતે પોલીસની આ દલીલોના આધારેજ તપાસ માટે પોલીસને ૬૦ દિવસ આપ્યા હતા. નાગરિકતા અંગેના નવા કાયદાના વિરોધના નામે દિલ્હીમાં તોફાનો થયાં હતાં અને સીબઆઇના એક કર્મચારી સહિત કેટલાક લોકોએ જાન ગુમાવ્યા હતા.