નવી દિલ્હી, તા. ૧૭ 

આમ આદમી પાર્ટીના કાલકાજી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય આતિશીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આતિશીએ જણાવ્યું કે ૧૬ જૂને તેમને શરદી-ખાંસીના લક્ષણ જોવા મળ્યા બાદ કોરોના વાયરસની બીમારીનો ટેસ્ટ કરયો હતો. આ રિપોર્ટ આજે ૧૭મી જૂને આવી છે, જે પોઝિટિવ છે. હાલ આતિશીને કોરોના વાયરસની બીમારીના હળવા લક્ષણ છે અને તેમણે ખુદને પોતાના ઘરમાં ક્વોરેન્ટાઈન કર્યા છે. અહીંયા એ પણ નોંધવું રહ્યું કે, આતિશી કોરોના કેસોને લઈને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી. ૧૧મી જૂને હેલ્થ ડિપાર્ટમેન્ટના એક અધિકારીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. ત્યારબાદ ૧૧ જૂને જ આતિશીને ખુદને હોમ ક્વોરેન્ટાઈન કરી લીધા હતા. આતિશી મર્લીના સિવાય અક્ષય મરાઠેની રિપોર્ટ કોરોના પોઝિટિવ આવી છે. ધારાસભ્ય આતિશી સિવાય દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના વાયરસનો રિપોર્ટ કરાવ્યા હતા, આ બંને નેતાઓના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા હતા. જોકે, આરોગ્ય મંત્રીએ ફરી કોરોના વાયરસનો રિપોર્ટ કરાવ્યો છે, જે અંગે આવતીકાલે ખબર પડશે. કોરોના વાયરસના પ્રકોપને કાબુમાં લેવા માટે દિલ્હીના ઉપરાજ્યપાલ સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બેઠક યોજાઈ હતી, જેમાં કોરોના મહામારીને પ્રસરતી અટકાવવા માટે ચુસ્ત રણનીતિ બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે કેજરીવાલને સહયોગનું વચન આપ્યું છે. કોરોના સંક્રમણ દિલ્હીમાં દિવસે દિવસે વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીમાં કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. દિલ્હીમાં નેતાઓ પણ હવે કોરોના વાયરસના સંકજામાં સપડાઈ રહ્યા છે.