આ દેશમાં  બાળકો માટે 'કાળ' બન્યો ડેલ્ટા વેરિયન્ટઃ અત્યાર સુધીમાં 800ના મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, જુલાઈ 2021  |   2871

જાકાર્તા-

કોરોના વાયરસનું ડેલ્ટા વેરિયન્ટ ઇન્ડોનેશિયામાં બાળકો માટે કહેર બનીને આવ્યું છે. ગત કેટલાક અઠવાડિયામાં કોરોના મહામારીથી અનેક બાળકોના મોત થયા છે. આમાંથી અનેક બાળકો એવા છે જેમની ઉંમર ૫ વર્ષથી પણ ઓછી છે. ઇન્ડોનેશિયામાં બાળકોના મોતની ટકાવારી દુનિયાના અન્ય ભાગોની સરખામણીએ ઘણી વધારે છે. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે બાળકોને કોરોના વાયરસ મહામારીથી સૌથી ઓછો ખતરો હોય છે.

ઇન્ડોનેશિયાની આ ભયાનક સ્થિતિએ દુનિયાને ટેન્શનમાં મુકી દીધી છે. આ મહિને ફક્ત એક જ અઠવાડિયામાં ૧૦૦થી વધારે બાળકોના મોત થયા છે. ઇન્ડોનેશિયા અત્યારે સૌથી વધારે કોરોના વાયરસ કેસોથી ઝઝૂમી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બાળકોના આ મોત એવા સમયે થઈ રહ્યા છે જ્યારે સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં ડેલ્ટા વેરિયન્ટ તબાહી મચાવી રહ્યું છે. શુક્રવારના ઇન્ડોનેશિયામાં કોરોનાના ૫૦ હજાર નવા કેસ સામે આવ્યા અને ૧૫૫૬ લોકોના મોત થયા. બાળકોના ડૉક્ટરો પ્રમાણે ઇન્ડોનેશિયામાં કુલ કોરોનાના સત્તાવાર કેસોમાં ૧૨.૫ ટકા બાળકો છે. ફક્ત ૧૨ જુલાઈના ખત્મ થયેલા અઠવાડિયામાં જ ૧૫૦ બાળકોના મોત થઈ ગયા. આમાંથી અડધા બાળકો ૫ વર્ષથી ઓછી ઉંમરના છે. ઇન્ડોનેશિયામાં અત્યાર સુધી કોરોનાના ૩૦ લાખ કેસ સામે આવ્યા છે અને ૮૩ હજાર લોકોના મોત થયા છે. ઇન્ડોનેશિયામાં કોરોના મહામારી શરૂ થયા બાદ અત્યાર સુધી ૮૦૦ બાળકો માર્યા ગયા છે, પરંતુ આમાંથી મોટાભાગના બાળકોના મોત ગત અઠવાડિયે થયા છે.


© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution