વડોદરા, તા.૩

વડોદરા શહેરના વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર ૨૫ દિવસ

પહેલા ગાયે ભેટી મારતા એમ.એસ.યુનિવર્સિટીની પોલિટેકનિક માં ભણતા વિદ્યાર્થીને એક આંખ ખોવાનો વારો આવ્યો હતો. વિદ્યાર્થીના પિતાએ આ અંગે કાર્યવાહી માટે મેયરની રૂબરૂ મુલાકાત કરી હતી અને પોલીસ ફરિયાદ પણ કરી હતી. પરંતુ, યોગ્ય પ્રતિસાદ ન મળતા હવે તેમણે એડ્‌વોકેટ મારફતે ૨૫ લાખના વળતર માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર, વડોદરા પોલીસ કમિશનર, વડોદરા કલેકટર અને ગુજરાત સરકારને નોટિસ

પાઠવી છે.

વિદ્યાર્થીના પિતા નીતીન ઠકોરભાઈ પટેલે આપેલી નોટિસમાં જણાવાયુ છે કે, ૧૦ મેના રોજ સાંજે નારાયણ સ્કૂલ પાસે વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ઉપર ગાયનું શિંગડું જમણી આંખે વાગતા ૧૭ વર્ષીય વિદ્યાર્થી હેનીલ નીતિનભાઇ પટેલની આંખ ફૂટી ગઈ હતી. ધો. ૧૦ની પરીક્ષામાં તે ૮૮. ૩૪ ટકા માર્ક્‌સ સાથે પાસ થયો હતો. ગુજરાત પ્રોવિંસિયલ કોર્પોરેશન એક્ટ મુજબ જાહેર રસ્તા ઉપર અડચણરૂપ દબાણની કામગીરી વડોદરા કોર્પોરેશન તથા સંલગ્ન કર્મચારીઓની છે. ટ્રાફિક નિયમનની જવાબદારી પોલીસ કમિશનરની છે. કોઈ પણ પશુને જાહેરમાં રસ્તા પર રખડતું મૂકી ન શકે અને જાે તેમ કરે તો તે અટકાવવાની ફરજ મ્યુનિસિપલ કમિશનર તથા તેમના તાબાના અધિકારી કર્મચારીઓની છે. આ માટે વડોદરા કોર્પોરેશનમાં અલાયદા વાહનોની તથા કર્મચારીઓની ફાળવણી પણ થઈ છે.

આ ઘટનામાં અધિકારી કર્મચારીઓની બેદરકારીના કારણે હેનીલે આંખ ગુમાવી છે, જેથી પોલીસ વિભાગ અને કોર્પોરેશન વિભાગ પણ જવાબદાર બને છે. ગાય માલિક વિરુદ્ધ હજી સુધી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. પાણીગેટ પોલીસ સ્ટેશન દ્વારા ફરજ ચૂક કરવામાં આવી છે. આમ ઘટના દરમિયાન રાજ્ય સરકાર પણ જવાબદાર છે. વળતર પેટે ૨૫ લાખની માંગણી કરવામાં આવી છે. વિદ્યાર્થીના

પિતાએ એડ્‌વોકેટ વૈકંક જાેશી મારફતે નોટિસ પાઠવી છે.ઉલ્લેખનિય છે કે, શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાના નિરાકરણ માટે પાલિકા તંત્ર નિષ્ફળ નિવડ્યુ છે. આ ઘટના બાદ પણ રખડતા ઢોરોના કારણે અકસ્માતના અનેક બનાવો બન્યા છે.