અનગઢ ખાતે ચાલી રહેલા ગેરકાયદે માટીખનન બંધ કરાવવા માગ

વડોદરા, તા.૧૫

એક્સપ્રેસ હાઈવેની કામગીરી માટે અનગઢ ગામમાં ગેરકાયદેસર રીતે માટીખનન થતાં પર્યાવરણીય અસંતુલનની ભયજનક પરિસ્થિતિ ઊભી થઈ છે અને મોટું કૌભાંડ થયાના આક્ષેપ સાથે આ બાબતે યોગ્ય તપાસ કરીને તાત્કાલિક માટીખનન બંધ કરાવી જવાબદારો સામે કાયદાકીય પગલાં લેવાની માગ કરી છે.

પૂર્વ ધારાસભ્ય ઉપેન્દ્રસિંહ ગોહિલ તેમજ અનગઢના ગ્રામજનોએ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, અનગઢ ખાતે જે પણ ખોદકામ કરવામાં આવ્યું છે જેમાં ભંગ કરવામાં આવ્યો છે. આ બાબતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ કુબેર ભવન ખાતે તા.૮ માર્ચ અનગઢ તા.જિ.વડોદરાના જુ. સર્વે નં.૪૯, બ્લોક નં.૧૧૬વાળી જમીનમાં ગેરકાયદેસર માટીખનન થતાં ભયજનક પરિસ્થિતિ ઊભી થાય તેવી સ્થિતિ સર્જાયા બાબતે યોગ્ય તપાસ કરવા રજૂઆત કરી હતી.

જેમાં તા.૧પ-૧૦-૧૯ના દિવસે ૧૮૦ દિવસ સુધીની પરમિશન આપવામાં આવેલી જેમાં પાંચ લાખ મેટ્રિક ટન માટી ઉઠાવવાનો હુકમ કરેલો જેની મુદત પૂર્ણ થઈ છે. ફરીથી તા.રર-૧૧-૧૯ના દિવસે ૯૦ દિવસ સુધીની પરમિશન આપવામાં આવી છે જેની ઓગસ્ટ ર૦ર૦ સુધીમાં પૂર્ણ થઈ જેમાં આજદિન સુધી શિવરાત્રિ તા.૧૧ માર્ચ સુધીમાં ગેરકાયદેસર માટીખનન કરવામાં આવ્યું છે. ૯૦ ટકા કામ પત્યા પછી કામની ચકાસણી ફરજિયાત કરવી પણ ચકાસણી આજદિન સુધી કરેલ નથી. ખોદકામ ૬ મીટર સુધી જ કરવાનું હોય તેની જગ્યાએ ગેરકાયદેસર રીતે ર૦ થી રપ મીટર સુધીનું ખોદકામ કરેલ છે. જંગલ ખાતા દ્વારા પરમિશન પણ લીધી નથી. તમામ ખોદકામની રોયલ્ટીની પાવતીઓ ઉપલબ્ધ નથી. આ ઉપરાંત માટીના વજન માટે વજનકાંટા ફરજિયાત છે પણ કોઈપણ જગ્યાએ વજનકાંટા નથી. જૂના રેવન્યૂ નંબર ૧૧૬માં ખોદકામની પરમિશન આપેલી પણ તેઓએ અન્ય સર્વે નં.૧૧૩માંથી પણ ખોદકામ અને માટી ઉઠાવેલ છે, જે ગેરકાયદેસર છે. ૬ મીટરથી ઉપરના અને પ હેકટરની જગ્યાએ રર હેકટરની જમીનમાંથી ખોદીને ગેરકાયદેસર માટી ઉઠાવેલ છે જેનાથી સમગ્ર અનગઢ વિસ્તારમાં પૂર્ણ પાણી ધસી જશે, સાથે પર્યાવરણીય અસંતુલન સર્જાય. નિયમ મુજબ માટીખનન કર્યા પછી જમીનને ફરજિયાત સમતળ જમીન કરવા, જે આજદિન સુધી કરેલ નથી. ત્યારે સમગ્ર બાબતની તપાસ કરી કાર્યવાહીની માગ કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution