લોકશાહી કે પક્ષશાહી? : જનતા પર ઠોકી બેસાડાતા ‘ઉમેદવારો’
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, એપ્રીલ 2026  |   2673

ભારતીય લોકશાહીના મંદિરમાં અત્યારે એક એવી પરંપરા ઘર કરી ગઈ છે જ્યાં ‘ભક્ત’ (મતદાર) પાસે પૂજારી (ઉમેદવાર) પસંદ કરવાની કોઈ સત્તા નથી. રાજકીય પક્ષોના હાઈકમાન્ડ એસી ચેમ્બરમાં બેસીને જે નામ નક્કી કરે, તેને જનતાએ સ્વીકારી લેવા પડે છે. આ વ્યવસ્થા લોકશાહી નથી, પણ ‘સંગઠિત પક્ષશાહી’ છે. જનતાના ખભા પર બંદૂક ફોડીને પોતાના મળતિયાઓને સત્તાના સિંહાસન સુધી પહોંચાડવાનું જે વ્યવસ્થિત કૌભાંડ ચાલે છે, તેના પર હવે ગંભીર ચિંતન અને પ્રહાર કરવાની જરૂર છે.

કોઈપણ પક્ષ જ્યારે ટિકિટ આપે છે, ત્યારે તેનો માપદંડ ‘ઉમેદવારની સેવાની ભાવના’ નહીં, પણ તેની ‘ચૂંટણી જીતવાની ક્ષમતા’ (ઉૈહટ્ઠહ્વૈઙ્મૈંઅ) હોય છે. આ ક્ષમતામાં બાહુબળ અને ધનબળનો સમાવેશ થાય છે. પરિણામે, જે-તે વિસ્તારની જનતા જે વ્યક્તિને ધિક્કારતી હોય, કે જેની છબી ખરડાયેલી હોય, તેને જ પક્ષો ટિકિટ આપીને જનતા સામે ધરી દે છે. મતદાર પાસે વિકલ્પ શું છે? કાં તો ‘એ’ પક્ષનો ખરાબ માણસ અથવા ‘બી’ પક્ષનો ખરાબ માણસ. આ સ્થિતિમાં મતદાર ‘સૌથી ઓછો ખરાબ’ માણસ શોધવા મજબૂર બને છે. શું આને જ આપણે શ્રેષ્ઠ લોકશાહી કહીશું?

ખરેખર તો ઉમેદવાર પસંદ કરવાની સત્તા રાજકીય પક્ષોના પ્રદેશ પ્રમુખો પાસે નહીં, પણ જે-તે વિસ્તારની જનતા પાસે હોવી જાેઈએ. જાે લોકશાહીને શુદ્ધ કરવી હોય તો ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પ્રજાથી, પ્રજા દ્વારા અને પ્રજા માટે હોવી જાેઈએ તેમ જાગૃત જનતા માનવા લાગી છે.જાે આવી પારદર્શક પદ્ધતિ અમલમાં આવે, તો રાજકીય અખાડામાં ગુંડાઓ અને ભ્રષ્ટાચારીઓને બદલે શિક્ષિત, સામાજિક કાર્યકરો અને સજ્જન માણસોનો પ્રવેશ થાય. અત્યારે તો સજ્જન માણસ પક્ષની ટિકિટની લાઈનમાં ઊભા રહેતા પણ શરમાય છે, કારણ કે ત્યાં યોગ્યતા કરતાં ‘જી હજૂરી’ ની કિંમત વધુ છે.

ચૂંટણી વિભાગ માત્ર મતદાનની ટકાવારી વધારવા માટે કરોડો રૂપિયાના હોર્ડિંગ્સ મારે છે, પણ શું ક્યારેય વિચાર્યું છે કે લોકો મતદાન કરવા કેમ નથી આવતા? કારણ કે તેમને ખબર છે કે સામે ઊભેલા ઉમેદવારોમાંથી કોઈ તેમનો અવાજ સાંભળવાનું નથી. તંત્રએ એવી વ્યવસ્થા કેમ ન ઊભી કરી કે જેમાં જનતા પોતે ઉમેદવારના નામ સૂચવી શકે? બિનહરીફ જાહેર થવાની પ્રક્રિયા પણ અત્યારે એક મજાક બની ગઈ છે. જાે કોઈ વ્યક્તિ ઉપર મુજબની પ્રક્રિયાથી (જનતા દ્વારા) પસંદ થઈને આવે, તો તેને જ બિનહરીફ જાહેર કરવો જાેઈએ. તેના બદલે અત્યારે તો સત્તાના જાેરે વિરોધ પક્ષના ફોર્મ રદ કરાવીને કે ખેંચાવીને ‘બનાવટી બિનહરીફ’ પેદા કરવામાં આવે છે. આ લોકશાહીના નામે ચાલતી સરમુખત્યારશાહી છે.

રાજકીય પક્ષોએ સમજી લેવું જાેઈએ કે જનતા હવે જાગૃત થઈ રહી છે. તમે ટિકિટ આપીને કોઈને પણ ‘ઠોકી બેસાડશો’ અને જનતા ચૂપચાપ સ્વીકારી લેશે એ દિવસો હવે ગયા. જાે પક્ષો જનતાની પસંદગીને માન નહીં આપે, તો એક દિવસ જનતા તમામ પક્ષોને નકારીને ‘નોટા’ (ર્દ્ગં્છ) ના જાેરે સત્તાના પાયા હચમચાવી નાખશે.

ચૂંટણી પંચે અને સરકારે હવે ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયામાં જનતાનો સીધો હસ્તક્ષેપ કેવી રીતે વધારી શકાય. જ્યાં સુધી જનતા દ્વારા પસંદ કરાયેલો સજ્જન માણસ ચૂંટણી મેદાનમાં નહીં ઉતરે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદનો અંત આવવો અશક્ય છે. લોકશાહી ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે ‘મતદાર’ માત્ર વોટ આપનાર મશીન નહીં, પણ ‘ઉમેદવાર’ નક્કી કરનાર નિર્ધાયક બનશે. તંત્ર અને પક્ષો માટે આ છેલ્લી ચેતવણી છે, જનતાના ધૈર્યની કસોટી કરવાનું બંધ કરો અને સત્તાનો અખાડો સજ્જન માણસો માટે ખુલ્લો કરો, નહીં તો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જનતા રસ્તા પર ઉતરે છે ત્યારે મોટા મોટા ગઢ ધરાશાયી થઈ જાય છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution