વડોદરા,તા.૧૪

તરસાલીના બંસલ મોલ નજીક મોડી રાત્રે દેશી દારૂ લઇને જતા બુટલેગરની મોપેડ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં માર્ગ પર દારૂની રેલમછેલ થઇ હોવાનો વિડિઓ વાઇરલ થયાના પગલે મકરપુરા પોલીસે ​​​​​​​બુટલેગરની ધરપકડ કરીને એક મહિલા સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

 શહેરના સોમા તળાવથી તરસાલી દંતેશ્વર તરફ જઇ રહેલા રાકેશકુમાર ભટ્ટની કાર અને પૂરપાટ જઇ રહેલા બુટલેગરની મોપેડ વચ્ચે બંસલ મોલ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર અકસ્માત સર્જાતા જ મોપેડ ઉપર થેલામાં ભરેલી દેશી દારૂની પોટલીઓ ફાટી ગઇ હતી અને રોડ ઉપર દેશી દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. તો કેટલીક પોટલીઓ ન ફાટતા રોડ ઉપર પડી રહી હતી. આ અકસ્માત એટલો જાેરદાર હતો કે, મોપેડના ટુકડે-ટુકડા થઇ ગયા હતા. અને કારને પણ ભારે નુકસાન પહોંચ્યુ હતું.એકાએક સર્જાયેલા અકસ્માતને લઇ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જાેકે, સ્થાનિક લોકો દોડી આવે અને કાર ચાલક કારમાંથી નીચે ઉતરે તે પહેલાં દેશી દારૂ લઇને જઇ રહેલ મોપેડ ચાલક બુટલેગર પોતાની મોપેડ સ્થળ પર મૂકીને ફરાર થઇ ગયો હતો. ટોળે વળેલા લોકોએ ઘટનાના વીડિયો ઉતારી ગણતરીની મિનીટોમાં સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો. જાેકે, આ બનાવની જાણ મકરપુરા પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. મોપેડનો કબજાે લઇને સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોના આધારે અને ઘટના સ્થળેથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે મકરપુરા પોલીસે બુટલેગર પરેશ વિનુભાઇ ઠાકોરને (રહે, ટેકરાવાળું ફળિયું, ભાલીયાપુરા ગામ) ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પરેશ ઠાકોરની પૂછપરછ કરતા તેણે તરસાલી પાસે આવેલા વડદલા ગામમાં દેશી દારૂનું વેચાણ કરતા પપ્પુ (રહે, હરીનગર, વડદલા), શબ્બિર મલેક(રહે, વડદલા ગામ) અને ઇલાબહેન ગણપતભાઇ પટેલ(રહે, સોમાતળાવ, મંદિરવાળું ફળીયું ) પાસેથી લાવતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આરોપી પરેશ ઠાકોરની પ્રોહિબિશન અને અકસ્માતના આરોપ હેઠળ ધરપકડ કરીને અન્ય ત્રીપુટીને વોન્ટેડ જાહેર કરીને તેઓની શોધખોળ શરુ કરી છે.