વડોદરા, તા. ૧

જામ્બુવા વિસ્તારમાં રહેતા ડ્રાઈવર યુવકે તરસાલી વિસ્તારના માથાભારે વ્યાજખોર પાસેથી ઉધાર લીધેલા ૫ લાખની સામે વ્યાજ સહિત ૬.૮૫ લાખ ચુકવ્યા હતા તેમ છતા વ્યાજખોર તેની પાસે વધુ ૧૨ લાખની માગણી કરી હતી તેમજ સિક્યુરીટી પેટે પડાવેલા ત્રણ ચેકોમાં ૧૪ લાખની રકમ ભરી તે ચેક બેંકમાં બાઉન્સ કરાવ્યા બાદ યુવકને નાણાં નહી આપે તો ટાંટિયા તોડી નાખવાની ધમકી આપતા કંટાળેલા યુવકે વ્યાજખોર વિરુધ્ધ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જામ્બુવા વિસ્તારના વિરામ-૩ ફ્લેટરમાં રહેતા ૩૫ વર્ષીય હરગોવિંદ હસમુખ સોલંકી મકરપુરા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ગત ૨૦૧૪માં તેને લગ્ન કરવા માટે પૈસાની જરૂર હોઈ તેમણે તેનું મકરપુરા ડેપો પાછળ આવેલા શ્રી નિવાસ ટેનામેન્ટવાળું મકાન અતલુ પટેલ પાસે ગીરવે મુકી પાંચ લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ ગત ૨૦૧૫માં ગીરવે મુકેલું મકાન છોડાવવાની જરૂરિયાત ઉભી થતાં તેણે મકાન ૧૩ લાખમાં વેંચવાનું નક્કી કર્યું હતું.

આ દરમિયાન તેનો વ્યાજખોર ભુદેવ પ્રસાદ તેંગુરિયા (વ્રજધારા સોસાયટી, નોવિનો તરસાલીરોડ) સાથે સંપર્ક થયો હતો. ભુદેવે તેમનું મકાન લેવા તૈયારી બતાવી વેચાણ દસ્તાવેજ કરાવ્યો હતો અને ટુકડે ટુકડે ૧૩ લાખ રૂપિયા આપ્યા હતા.

જાેકે અતુલ પટેલ મકાન ગીરવે મુકીને આપેલા પાંચ લાખની માગણી કરતો હોઈ હરગોવિંદે ભુદેવ પ્રસાદ પાસેથી ગત ૨૦૧૭માં પાંચ લાખ રૂપિયા દસ ટકા વ્યાજે લેવાનું નક્કી કર્યું હતું જેથી ભુદેવે અતુલ પટેલને પાંચ લાખના બે ચેક આપ્યા અને તેની સામે ભુદેવે હરગોવિંદ તેમજ તેના મામા અને મામી પાસેથી સિક્યુરીટી પેટે સહિઓ વાળા કોરા ચેક લીધા હતા. ત્યારબાદ હરગોવિંદે આ પાંચ લાખ ઉધારની સામે ભુદેવને ૬.૮૫ લાખ આપી દીધા છે તેમ છતાં તે ૧૨ લાખની કડક ઉઘરાણી કરતો હતો અને જાે તું પૈસા નહી આપે તો તારા ટાંટિયા તોડી નખાવી માર મારવાની ધમકી આપતો હતો. તેણે હરગોવિંદ તેમજ તેના મામા-મામી પાસેથી લીધેલા ત્રણ ચેકમાં ૧૪ની રકમ ભરી તે બેંકમાં નાખી બાઉન્સ કરાવ્યા હતા અને ત્રણેય વિરુધ્ધ કોર્ટમાં કેસ કર્યો હતો. આ બનાવની હરગોવિંદની ફરિયાદના પગલે પોલીસે વ્યાજખોર ભુદેવ વિરુધ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.