વડોદરા, તા.૧૮

વડોદરાના લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ૨૧મી સદીમાં ભારતના ઝડપી વિકાસ માટે મહિલાઓના સર્વાંગી વિકાસ સાથે સશક્તિકરણ જરૂરી છે. મહિલાઓની આશા, અપેક્ષાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને તેમના માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી, ર્નિણયો કરી તેમના પસંદગીના ક્ષેત્રમાં કામ કરવાના તમામ દરવાજા ખોલી દીધા અને હવે અનેક નવા ક્ષેત્રો નારીશક્તિના દરવાજે દસ્તકો આપી રહી છે. ડબલ એન્જિનની સરકારના સુશાસનના છેલ્લા આઠ વર્ષમાં નારીશક્તિના સામર્થ્યને ભારતના વિકાસની ધૂરી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાને ઉમેર્યું કે, મહિલાલક્ષી યોજનાઓના અસરકારક અમલ દ્વારા મહિલાઓની સમસ્યાઓ ઓછી કરવામાં આવી છે. માતાઓ, બહેનો, દીકરીઓનું જીવન આસાન બને અને તેમને તમામ ક્ષેત્રમાં સમાન તક મળે એ બાબત અમારી સરકારની પ્રાથમિક્તા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડોદરામાં યોજાયેલ ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં ગુજરાતમાં રેલવેના વિવિધ રૂા.૧૬,૩૬૯ કરોડના ૧૮ પ્રોજેક્ટનું લોકાર્પણ - ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવા સાથે મધ્ય ગુજરાતના પાંચ જિલ્લામાં વિવિધ વિભાગોના રેલવે સહિતના કુલ રૂા.૨૧ હજાર કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું હતું.

મોદીએ જણાવ્યું કે, આજનો દિવસ મારા માટે માતૃવંદનાનો દિવસ છે. સવારે જન્મદાત્રી માતાના આશીર્વાદ લીધા બાદ પાવાગઢમાં જગતજનની મા મહાકાળીના આશીર્વાદ લીધા અને હવે મને પ્રચંડ માતૃશક્તિના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. મહાકાળી માતાજી પાસે મેં દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઉપરાંત આ અમૃતકાળમાં ભારતની સ્વર્ણિમ વિકાસ થાય એવી પ્રાર્થના કરી છે.તેમણે કહ્યું કે, ગુજરાતને આજે મળેલા રૂા.૨૧ હજાર કરોડના વિકાસ પ્રકલ્પો ગુજરાતના વિકાસથી ભારતના વિકાસની પ્રતિબદ્ધતાને બળ આપશે. એટલું જ નહીં, આવાસ, ઉચ્ચશિક્ષણ અને માર્ગ જાેડાણથી ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારનો વ્યાપ વધશે અને યુવાનો માટે અનેક પ્રકારની સ્વરોજગારી તથા રોજગારીના અવસરો પૂરા પાડનારા બની રહેશે. ગુજરાતની મહિલાઓના સ્વસ્થ માતૃત્વ અને તંદુરસ્ત બાળપણ માટે ગુજરાત સરકારે રૂા.૮૧૧ કરોડના ખર્ચે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલમાં મૂકી ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને યોગ્ય પોષણ મળી રહે તે બાબત સુનિશ્ચિત કરી છે. પોષણ સુધા યોજનાનો વ્યાપ વધારીને ગુજરાતના તમામ ૧૪ આદિવાસી જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે, જેમાં ગર્ભવતી મહિલાઓને બપોરનું ભોજન સરકાર તરફથી આપવામાં આવશે અને જે ભાવિ પેઢીને સશક્ત બનાવશે. બે દાયક પહેલા ગુજરાતમાં જે કુપોષણની સમસ્યા હતી, તેને નાબૂદ કરવામાં સરકારની યોજનાઓ અસરકારક રહી હોવાનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું કે, માત્ર યોજનાઓનો અમલ જ નહીં પણ મહિલાઓ માટે યોગ્ય વાતાવરણનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

જૂની યાદો અને જૂના મિત્રોને યાદ કરી ભાવુક થયા

 વડાપ્રઘાન નરેન્દ્દ મોદી લેપ્રેસી મેદાન ખાતે જનસભાને સંબોઘતા વડોદરાને અનેક વાર યાદ કર્યું હતુ. અને વડોદરા સાથે તેમના જુના સંસ્મરણોને યાદ કરી ને ભાવુક થયા હતા. નરેન્દ્ર મોદી પોતાનાં ભાષણ દરમ્યાંન વડોદરા શહેરની તેમની સાથે જાેડાયેલી અનેક યાદોને તાજી કરી હતી. ભાષણ માં તેમના જુના મિત્રોને યાદ કરીને ભાવુક થઇ ગયા હતા. થોડી મિનટ સુઘી બોલી શકયા ન હતા. તેમણે જુની યાદો મિત્રો અંગે કહ્યું કે જયારે હુ બઘાનું અભિવાદન ઝીલી રહ્યો હતો, ત્યારે આજે મને આ ડોમમાં અનેક જાણીતા ચેહરાઓ નજરે પડયા હતા. જેમની સાથે મને વર્ષો સુઘી કામ કરવાનો મોકો મળ્યો હતો. કેટલાક વિરીષ્ઠ કાર્યકર્તાઓ પણ મે જાેયા, જેમની આંગણી પકડીને હુ ચાલ્યો છું વડોદરામાં મારા રેહણાંક દરમ્યાંન અનેક માતાઓનાં હાથની રોટલીઓ ખાવાનું મને સોભાગ્ય પ્રાપ્ત થયું છે. વડોદરાનું ત્રુણ હું કયારેય નહી ભુલું. આ નગરે મને સાચવ્યો છે.

ગાંધી નગરગૃહથી લઇને શહેરના વિવિધ વિસ્તારોને યાદ કર્યા

 ભાષણ માં વડોદરાની વાતો કરતા વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વડોદરા આવો એટલે જુની વાતો યાદ આવે, આ સંસ્કારી નગરીએ મને બાળકની જેમ સાચવ્યો છે. મારા વ્યકતિગત અને જાહેરજીવનની વિકાસયાત્રામાં વડોદરાનું યોગદામ ને હુ કયારેય નહી ભુલું. આપણુ ગાંઘીનગરગૂહ કે જંયા આંદોલન માટે લોકો એકત્રિત થતા હતા. અમારી જુની શાસ્ત્રીપોળ. ખરચીકરનો ખાંચો, રાવપુરા, આરાઘના સિનેમા પાછળનું પંચમુખી હનુમાંન મંદિર અનેક યાદો વડોદરા સાથેની છે. આ જગ્યાઓ મને આજે પણ યાદ છે. પંચમહાલ, હાલોલ, છોટાઉદેપુર, ડભોઇ, પાદરા, એવા અનેક સ્થળો સાથે મારી યાદો જાેડાયેલી છે. વડોદરાની શાસ્ત્રીપોળ સાથે નરેન્દ્ર મોદીનો ઘંણો જુનો નાતો છે, જયારે મોદી મઘ્ય ગુજરાત સંઘનાં પ્રચારક હતા ત્યારે વડોદરામાં રોકાતા અને અને વડોદરાથી મઘ્ય ગુજરાતનાં વિવિઘ વિસ્તારોમાં પ્રચાર અર્થે જતા હતા. અને તેઓ શાસ્ત્રીપોળ ખાતે નાં સંઘનાં કાર્યલયમાં રહ્યા હતા જે આજે પણ યથાવત છે. જયારે જયારે નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાત લે છે ત્યારે તેમના ભાષણમાં શાસ્ત્રીપોળ ને જરૂર યાદ કરે છે.

મોદીએ લીલો ચેવડો અને ભાખરવડી પણ યાદ કરી

 વડોદરાનો લીલો ચેવડો અને ભાખરવડી ને યાદ કરતા મોદીએ કહ્યું કે વડોદરા આવી અને લીલો ચેવડો અને ભાખરવડી કેમ ભુલાય, આજે પણ મને કોઇ મળી જાય છે. તો લીલા ચેવડા અને ભાખરવડી અંગે વાત કરે, ૨૦૧૪માં જયારે હુ વડોદરા થી લોકસભાની ચુંટણી લડયો ત્યારે વડોદરાનાં નવનાથ અને કાશી વિશ્વનાથ મંદિરનાં મને આર્શીવાદ મળ્યા હતા.

વિદેશી વિદ્યાર્થીઓ સભામાં ઉપસ્થિત રહ્યા

મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીના ૪૦ જેટલા દેશોના ૧૨૦ જેટલા દેશોના વિદેશી વિદ્યાર્થીઓ સભાસ્થળે પહોંચ્યા હતા. તઝાકિસ્તાન, આફ્રિકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે ભારત દેશમાં શિક્ષણ અને સહકાર સારો મળે છે, એ અંગે અમને ખૂબ ખુશી છે અને અમારા દેશવાસીઓ જણાવે છે કે તમે મોદીના દેશમાં ભણવા ગયા છો.

મોદીએ ખૂલ્લી જીપમાં ફરી અભિવાદન કર્યુ

સભાસ્થળે પહોંચેલા વડાપ્રધાન મોદીએ ખૂલ્લી જીપમાં બેસી ડોમમાં પાછળના ભાગથી પ્રવેશ કર્યો હતો. તેમના જીપની આગળ ચણિયા ચોળીમાં સજ્જ એક હજાર મહિલાઓએ તિરંગા ધ્વજ સાથે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. વડાપ્રધાને સભામંડપમાં ૧૦ થી ૧૫ મિનિટ ૧.૨૫ કિ.મી. ફરીને સભાસ્થળે મોટી સંખ્યામાં ઉપસ્થિત લાભાર્થીઓ સહિતનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે ખૂલ્લી જીપમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.