વડોદરા, તા. ૨૯

 ચૈત્રી નવરાત્રીના આઠમ એ નવરાત્રીના નવ દિવસમાં સૌથી ખાસ ગણવામાં આવે છે. આ દિવસે બહોળી સંખ્યામાં ભક્તો શક્તિ પીઠોમાં તેમની મનોકામના પૂર્ણ કરવા તેમજ માતાજીની આરાધના કરવા માટે આવતા હોય છે. શહેરના ધડીયાળી પોળ , બહુચરાજી મંદિર તેમજ માંડવી સ્થિત મેલડી માતાજીના મંદિરે આઠમ હોવાથી માતાજીની મુર્તિને સોળે શણગારથી સજાવવામાં આવ્યા હતા.

આઠમ નિમિત્તે તમામ શક્તિપીઠોમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટેલા જાેવા મળ્યા હતા. તો રાત્રીએ માતાજીના ગરબાનું તેમજ વિવિધ કાર્યક્રમોનું યોજવામાં આવ્યા હતા.

ચૈત્રી નવરાત્રિની આઠમ હોવાથી માઈમંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. આઠમ નિમિત્તે નવચંડી સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું.

શહેરમાં ઘડિયાળી પોળ સ્થિત અંબે માતાના મંદિર, કારેલીબાગ સ્થિત બહુચરાજી માતા મંદિરે દર્શનાર્થીઓની ભારે જનમેદની ઉમટેલી જાેવા મળી હતી. તો શહેર નજીક આવેલા પાદરાના રણુ ખાતે તુલજા ભવાની માતા અને પાવાગઢ સ્થિત મહાકાળી માતાના મંદિરે દર્શને પણ ભક્તોનો ભારે ધસારો જાેવા મળ્યો હતો. આઠમ હોવાથી અનેક સ્થળોએ ભજન-ડાયરા સહિત ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવતા સમગ્ર શહેર માતાજીની ભક્તિમાં લીન થયેલું જાેવા મળયું હતું. તો કેટલાક સ્થળોએ ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ, ચૈત્રી નવરાત્રિ આઠમે માઈભક્તો માતાજીની કૃપા અને પ્રસન્નતા માટે પ્રાર્થના કરી હતી.

કેટલાક ભક્તો અંબાજી સ્થિત જગદંબા મંદિરે જઈને ત્યાં આયોજિત એકાવન શક્તિપીઠ એટલે કે ગબ્બરની પરિક્રમાનો લહાવો લીધો હતો.