ધનતેરસ એટલે ધન્વંતરી અને લક્ષ્મીમાતાની પુજાનો દિવસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓક્ટોબર 2024  |   નીતા દવે   |   39501

ભારતીય પરંપરાનું સૌથી મોટું પર્વ એટલે કે દિવાળી. દિવાળી એટલે હર્ષ ઉલ્લાસ અને ઉજાસનો તહેવાર. એટલે જ આપણે દિવાળીને દીપોત્સવી પર્વ તરીકે પણ ઓળખીએ છીએ. દિવાળીના તહેવારમાં વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજાનું મહત્વ અદકેરું છે અને સાથે ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા પણ કરવામાં આવે છે.

ધન શબ્દ સમૃદ્ધિ સાથે જાેડાયેલો છે અને તેરસનો અર્થ થાય છે તેરમો દિવસ! ધનતેરસના દિવસે માતાજીના ચરણકમળનું પ્રતીક ઘરમાં સ્થાપિત કરવામાં આવે અને સંધ્યા સમયે મહાલક્ષ્મીની મૂર્તિ સામે દીપક પ્રગટાવી પૂજા કરાય તો લક્ષ્મીમાતાનાં આશિર્વાદ કાયમ માટે રીતે મળતા રહે છે. ધનતેરસના દિવસે શ્રીસુક્તમના પાઠ અને શ્રી યંત્રની પણ પૂજા કરવામાં આવે છે. લક્ષ્મીપૂજન કરતી વખતે લક્ષ્મીકમલા મંત્રનો પ્રયોગ પણ આર્થિક રીતે બહુ લાભકારી છે. આ સાથે જ ધનતેરસના દિવસે મા મહાકાળી, મા મહાસરસ્વતી, અને મા મહાલક્ષ્મીનો મંત્રજાપ કરવાથી અકાળ મૃત્યુના ભયથી પરિવારને મુક્તિ મળે છે. હનુમાન ચાલીસા,મંગલા પાઠ કે નવકાર મંત્રના જાપ કરવાથી આરોગ્ય, આયુષ્ય, સંપત્તિ અને સૌભાગ્યમાં પણ વધારો થાય છે.

 ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરી પૂજાનું વિશેષ મહત્વ છે.ભગવાન ધન્વંતરીને વિષ્ણુ ભગવાનનો અવતાર માનવામાં આવે છે. ભગવાન ધન્વંતરીને આયુર્વેદના ભગવાન અને દેવતાઓના વૈદ્ય તરીકે ઓળખવામાં આવે છે. આપણા ધાર્મિક શાસ્ત્ર શ્રીમદ્‌ ભાગવત પુરાણમાં એક પ્રસંગ છે. જ્યારે દેવતાઓ અને અસુરોએ સાથે મળીને સમુદ્રમંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી અનેક રત્નોની સાથે આરોગ્યના દેવતા ધન્વંતરીની પ્રાગટ્ય થયું હતું. આથી ધનતેરસને ધન્વંતરી તેરસ પણ કહેવામાં આવે છે.

ભગવાન ધન્વંતરીએ ચિકિત્સાશાસ્ત્ર આયુર્વેદની ભેટ આપી છે. ભગવાન ધન્વંતરીના એક હાથમાં જલુકા ઔષધ અને બીજા હાથમાં અમૃત કળશ હોય છે. ભગવાનને પિત્તળની ધાતુ અતિપ્રિય છે, આથી ધનતેરસના દિવસે પિત્તળની વસ્તુઓ ખરીદવાની પણ પ્રાચીન સમયથી વિશેષ પરંપરા છે. અને સાથે સાથે જ ચાંદીને કુબેરની ધાતુ પણ માનવામાં આવે છે. ચંદ્રમાના પ્રતીક સમાન ચાંદી જીવનમાં શીતળતા પ્રદાન કરે છે.

 ધનતેરસના દિવસે દીપદાન કરવાનો પણ આપણા શાસ્ત્રમાં વિશેષ મહિમા વર્ણવામાં આવેલો છે. આપણા ધાર્મિક શાસ્ત્રમાં ધનતેરસના દિવસ સાથે યમરાજાની પૌરાણિક કથા દર્શાવવામાં આવે છે. જે અનુસાર પૃથ્વી પર રહેતા મનુષ્ય માટે યમરાજાએ વરદાન આપેલું છે કે, જે ઘરમાં ધનતેરસના દિવસે દીપ પ્રગટાવી અને દીપદાન કરવામાં આવશે તે કુટુંબમાં કોઈ વ્યક્તિનું અકાળ મૃત્યુ થશે નહીં. તેમજ એ વ્યક્તિ લાંબુ આયુષ્ય ભોગવી કર્મો ની ઉત્તમ ગતિને પામશે. આથી યમરાજાએ આપેલા આ વરદાન થકી ધનતેરસના દિવસે દીપમાળા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે.

 દિવાળીના દિવસોમાં આમ પણ ઉત્સાહનું વાતાવરણ હોય અને ખરીદીનો માહોલ પણ જામેલો હોય છે. આપણા વડીલો ધનતેરસ અને દિવાળીના દિવસે સોના ચાંદીના ઘરેણાની ખરીદી કરતા અને આજે આપણે પણ શક્તિ અનુસાર પુષ્ય નક્ષત્રના સમય દરમિયાન સોના-ચાંદીના ધાતુની ખરીદી કરીએ જ છીએ. દિવાળી પછી લગ્નના મુહૂર્ત પણ શરૂ થતા હોય છે. આથી લોકો આ સમયમાં લગ્નની ખરીદી પણ ખૂબ કરતા હોય છે. કહેવાય છે કે પુષ્યનક્ષત્રમાં કરેલી સોના-ચાંદીની ખરીદી આજીવન સૌભાગ્યમાં વૃદ્ધિ કરનારી હોય છે.

" ૐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् ।

चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह ॥ "

શ્રીસુક્તમના આ શ્લોકમાં મહાલક્ષ્મીને સુવર્ણમય કહેવામાં આવ્યા છે. ધનતેરસના દિવસ એ સોનાની ખરીદી માટે વણજાેયું મુહૂર્ત કહેવાય છે. આ દિવસે સોનાની ખરીદી શુભ ગણાય છે.

સોનું એ અર્થતંત્ર ઉપર અસર કરતી ધાતુ છે. સોનાની ધાતુ એ આંતરરાષ્ટ્રીય બજાર પર પણ પ્રભુત્વ ધરાવે છે. પ્રાચીનકાળમાં જે તે સમયે ભારતીય અર્થતંત્ર સોનાની ધાતુની સમૃદ્ધિના કારણે ખુબ જ મજબૂત બન્યું હતું. કદાચ આ જ કારણસર આપણા વડીલો રૂપિયાના રોકાણની બાબતે સોનાની ખરીદીને પ્રાધાન્ય આપતા.

ભારતીય સમાજનાં રીતરિવાજાેમાં સોનાના ઘરેણાનું આગવું મહત્વ છે.પરિવારની જાહોજલાલી ઘરના સ્ત્રી વર્ગે પહેરેલા ઘરેણાની કિંમત ઉપરથી આંકવામાં આવતી હોય છે. શુભ પ્રસંગોમાં પરિવારમાં સોનાના ઘરેણાનો શૃંગાર એ આપણી રૂઢિગત પરંપરા છે.

 ધનતેરસના દિવસે વેપારીઓ સોનાની મૂર્તિ કે ઘરેણાની પૂજા કરે છે. સુગંધિત ધૂપ, અગરબત્તી અને કમળનું ફૂલ ધરાવી લક્ષ્મીમાતાને પ્રસન્ન કરી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ માટેના વરદાન પ્રાપ્ત કરે છે. પુષ્ય નક્ષત્ર એટલે એમ કહી શકાય કે લક્ષ્મીજીને જીવનના આંગણે વધાવી,આવકારી અને સ્થાયી બનાવવાનો શ્રેષ્ઠ અવસર! આ સમયે દરમિયાન વિષ્ણુ લક્ષ્મીની પૂજા સાથે કરવામાં આવે છે, જે જ્યોતિષ અને પુરાણ અનુસાર શ્રેષ્ઠત્તમ ફળ આપનારી ગણાય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution