વડોદરા, તા.૮

ગત વિઘાનસભાની ચૂટણીમાં કરજણ વિઘાનસભાની બેઠક પર સતીષ પટેલ ( નિશાળીયા ) ને ટીકીટ આપવામાં આવી ન હતી.પરંતુ ચૂંટણી બાદ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી અશ્વીન પટેલને બદલીને સતીષ નિશાળીયાને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી હતી.જ્યારે તાજેતરમાંજ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં મહત્વની એવી બરોડા ડેરીના પ્રમુખ તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.જ્યારે આજે બરોડા સેન્ટ્રલ કો.બેન્કના પ્રમુખ,ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પણ પાછલા વર્ષો થી સત્તા ભોગવતા પ્રમુખ - ઉપ પ્રમુખને બદલીને સાવલીના રાજુ પટેલ ( ખાખરીયા ) અને ઉપપ્રમુખ તરીકે હેમરાજસિહ મહારાઉલની નિમણૂંક કરવામાં આવી હતી.ત્યારે જિલ્લાના રાજકારણમાં પ્રભુત્વ મેળવવા નિશાળીયાએ ખાખરીયાને પ્રમુખ બનાવ્યા હોંવાની ચર્ચા જિલ્લા ભાજપ તેમજ સહકારી ક્ષેત્રમાં થઈ રહી છે.ડેરી બાદ જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મહત્વની સહકારી બેન્ક પર પણ પરોક્ષ રીતે નિશાળીયાએ કબજાે જમાવીને સર્વે સર્વા બન્યાની ચર્ચા જિલ્લા ના રાજકારણમાં થઈ રહી છે.

પટેલોને પાણીચું, ક્ષત્રિયની એન્ટ્રી

બરોડા સેન્ટ્રલ કો.ઓપ.બેન્ક પર વર્ષો થી પ્રમુખ અને ઉપ પ્રમુખ પદે પાટીદાર ઉમેદવાર સત્તા પર રહ્યા છે.ત્યારે ઉપ પ્રમુખ પદે બેન્કના ઉતિહાસમાં પ્રથમ વખત ક્ષત્રીય ઉમેદવાર હેમરાજસિંહ મહારાઉલની વરણી કરવામાં આવી છે.ત્યારે આ મુદ્દો પણ સહકારી ક્ષેત્રે ચર્ચાનો વિષય આજે રહ્યો હતો.

અતુલ પટેલ પર અમિત શાહ-આનંદીબેનના સમાન આશીર્વાદની ચર્ચા છતાં કેમ ખસેડાયા

છેલ્લા ૧૫ વર્ષ થી બરોડા સેન્ટ્રલ કો.ઓપ બેન્કમાં શાસન ઘરાવતા અતુલ પટેલ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના સમાન આર્શીવાદ હોંવાની ચર્ચા ભાજપા વર્તુળોમાં લાંબા સમય થી ચાલે છે.ત્યારે તમ છતા તેમને કેમ ખસેડાયા તેવી ચર્ચા પણ હવે શરૂ થઈ છે.

કોંગીના દિલીપ નાગજી પટેલને ઉથલાવી અતુલ પટેલે ભાજપનુંં શાસન પ્રસ્થાપિત કર્યુ હતું

બરોડા સેન્ટ્રલ કો.બેન્કમાં પાછલા અનેક વર્ષોથી કોંગ્રેસના દિલીપ નાગજી પટેલનુ શાસન હતુ.જાેકે, તેને ઉથલાવીને અતુલ પટેલે ભાજપનુ શાસન પ્રસ્થાપિત કર્યુ હતુ.ઉપરાંત ખોટમાં જતી બેન્કને પાછલા બે વર્ષ થી નફામાં પણ લાવવામાં આવી હતી.ત્યારે જિલ્લાના સહકારી ક્ષેત્રમાં બન્ને મહત્વની સંસ્થાઓમાં હોદ્દેદારોને બદલવા પાછળ સહકારી ક્ષેત્ર ની સાથે જિલ્લાના રાજકારણ માં પણ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.