વડોદરા : વડોદરા જિલ્લાના ડભોઈ નજીક વેગા ચોકડી બ્રિજ પર વડોદરા ફાયરબ્રિગેડનું સ્નોર સ્કેલ અને ડીઝલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતાં ટેન્કરનું પતરું ફાટી જતાં સમગ્ર રસ્તા પર ડીઝલની રેલમછેલ થઈ જતાં આગ લાગવાની દહેશત સર્જાઈ હતી, અગ્નિશમનદળે અને પોલીસે આ રસ્તો બંધ કરી દઈને ટ્રાફિક અન્ય રસ્તા પર ડાઇવર્ટ કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. 

વડોદરા અગ્નિશમનદળની બહુમાળી ઈમારતમાં આગ બુઝાવવાની કામગીરી કરતુ સ્નોરસ્કેલ વાહન સમારકામ માટે ડભોઈ ગયું હતું, ત્યાંથી પરત આવતી વખતે ડભોઈ નજીક વેગા ચોકડી બ્રિજ પરથી પસાર થતી વખતે સામેથી એક ટેન્કર છોટાઉદેપુર તરફ ૨૪ હજાર લીટર ડીઝલ લઈને જઈ રહેલા ટેન્કર અને સ્નોર સ્કેલ સામસામે અથડાતાં ટેન્કર ફાટી ગયું હતું, જેમાંથી ડીઝલ રસ્તા પર ઢોળાવાની શરૂઆત થઈ હતી અને આગ લાગે તેવી પરિસ્થિતિ સર્જાઇ ગઈ હતી. ગણતરીની મિનિટોમાં બ્રિજ પરથી સમગ્ર વિસ્તારમાં ડીઝલની રેલમછેલ થઇ ગઈ હતી, જેને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ, અગ્નિશમનદળ અને ડભોઈ પોલીસની સમય સૂચકતાથી ડીઝલમાં આગ લાગે નહીં એની તકેદારી રાખવામાં આવી હતી અને ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો.આ બનાવની જાણ વડોદરા ફાયરબ્રિગેડને થતાં ફાયર અધિકારી ઓમ જાડેજા સહિત તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક અસરથી બેથી ત્રણ ટ્રક ભરીને રેતી મંગાવવામાં આવી હતી અને જે રસ્તા પર ડીઝલની રેલમછેલ થઇ હતી તેના પર નાખવામાં આવી હતી. આ બનાવને કારણે બે કલાક સુધી ડભોઇથી છોટાઉદેપુરનો મુખ્ય રસ્તો બંધ રાખીને અન્ય રસ્તા પરથી ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. બનાવ દરમ્યાન કેટલાક વાહનચાલકો સ્લીપ પણ થઇ ગયા હતા. જોકે, આગ લાગવાની સંભાવના, અન્ય વાહનો વચ્ચે અકસ્માતની સંભાવના વચ્ચે વડોદરા ફાયરબ્રિગેડ અને પોલીસની સૂચક કામગીરીને કારણે કોઈ હાનિ નોંધાઈ ન હતી.

સ્થાનિકો ડીઝલની લૂંટ ચલાવવા પહોંચી ગયા હતા

ભરબપોરે વેગા ચોકડી બ્રિજ પર થયેલ આ અકસ્માતમાં ૨૪ હજાર લીટર ભરેલું ટેન્કર ફાટવાને કારણે રસ્તા પર ડીઝલની રેલમછેલ થવા લાગી હતી. આ ઘટનાની જાણ આસપાસમાં રહેતા લોકોને થતા કારબાઓ લઈને ડીઝલ લૂંટવા આવી પહોંચ્યા હતા. પોલીસ અને ફાયરબ્રિગેડ આવે ત્યાં સુધી સંખ્યાબંધ લોકો લૂંટ ચલાવવામાં સફળ પણ રહ્યા હતા. જોકે, પોલીસે આવીને લોકોને ભગાડી દીધા હતા.