જૂનાગઢ જૂનાગઢના વંથલી તાલુકાના ટીનમસ ગામમાં આવેલી આદર્શ વિદ્યા વિનય મંદિરનું બિલ્ડિંગ જર્જરિત બનતા વિદ્યાર્થીઓ બહાર બેસી ભણવા મજબૂર બન્યા છે. શાળામાં આમ તો ૩૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ, મોટાભાગના વિદ્યાર્થીઓ ડરના માર્યા શાળાએ આવવાનું જ બંધ કરી દીધું છે. વંથલી તાલુકાના ટીનમસ ગામમાં આવેલી આદર્શ વિદ્યા વિનય મંદિરની ઈમારત ૧૯૮૬માં બની હતી. સમય જતા આ ઈમારત જર્જરિત થતા વર્ગખંડની છતમાંથી પોપડાઓ ખરવા લાગ્યા છે. જેના કારણે સલામતીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓને બહાર જ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ટીનમસ ગામની આદર્શ વિદ્યા વિનય મંદિરની સ્થિતિ એવી છે કે, અહીં હાલ નામ માત્રના એક જ શિક્ષક છે. આચાર્યો ચાર્જ પણ તેમની પાસે જ છે. વિદ્યાર્થીઓને તમામ વિષય એક જ શિક્ષકે ભણાવવાના રહે છે. શાળાના ઈન્ચાર્જ આચાર્ય પી.એસ.કાલરિયાએ કહ્યું હતું કે, ઘણા વર્ષો થઈ ગયા હોવાના કારણે સ્કૂલ બિલ્ડિંગ જર્જરિત બન્યું છે. એકવાર રિનોવેશન કરવામાં આવ્યું હતું. પરંતુ, ફરી જર્જરિત થઈ જતા અમારા તરફથી રજૂઆત કરવામાં આવી છે. જાે સરકાર ગ્રાન્ટની ફાળવણી કરે તો ફરી રિનોવેશન કરી શકાય.