અમદાવાદ, રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્વે કાૅંગ્રેસના ટિકિટ વહેચણી અને મેન્ડેટ આપવાની પદ્ધતિના કારણે ભડતો થયો છે. ખાડિયા બહેરામપુરા વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પક્ષથી નારાજ છે. ખેડાવાલાએ કાૅંગ્રેસના પ્રદેશ પ્રમુખને રાજીનામું સોંપ્યું છે અને પ્રદેશ મોવડી મંડળને પોતાની નારાજગી દર્શાવી છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધનાણીએ મીડિયા સમક્ષ વાત કરીને ખેડાવાલા નારાજગી મુદ્દે વાત કરતા કહ્યું હતું કે પક્ષ ખેડાવાલાના રાજીનામાનો અસ્વીકાર કરે છે. ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું કે ‘બહેરામપુરા વોર્ડની ચૂંટણી માટે પક્ષ દ્વારા પહેલાંથી જ ચાર ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા છે, ત્યારબાદ બીજા બે ઉમેદવારોને પણ મેન્ડેટ આપવામાં આવ્યા છે.

અગાઉથી ચાર ઉમેદવારો પક્ષે પસંદ કરી લીધા હોવા છતાં બે ઉમેદવારોને મેન્ડેટ આપવા અયોગ્ય છે. આ કઈ રીતે ચાલે? ચાર ઉમેદવારો નક્કી કરી દીધા હોય અને પાછળથી બે ઉમેદવારોને ટિકિટ આપો તે યોગ્ય નથી. મારા કાર્યકરોને ન્યાય અપાવવા માટે મેં હાઇકમાન્ડને રજૂઆત કરી છે. ‘મેં હાઇકમાન્ડને મારી નારાજગી દર્શાવી છે. પ્રદેશના અધ્યક્ષ અને મોટા આગેવાનો જાેડે મારી વાત થઈ છે. મેં રજૂઆત કરી છે. અમદાવાદ શહેરમાં સારો માહોલ છે. અમદાવાદમાં સત્તા મળે તેવો માહોલ છે ત્યારે મેન્ડેટ બદલી નાખવામાં આવે તે યોગ્ય નથી.

ખેડાવાલાએ કહ્યું કે ‘એક વાર મેન્ડેટ ઈશ્યુ થઈ ગયા પછી ફરીથી મેન્ડેટ આપવામાં આવે તો યોગ્ય નથી. કાર્યકરોને ન્યાય અપાવવાની વાત છે. ચાર લોકોએ ફોર્મ ભરી લીધા હતા અને પાછળથી કોના ઈશારે મેન્ડેટ ઈશ્યુ કરવામાં આવ્યા ત્યારે આ મેન્ડેટ શક્ય નથી. જાે ફોર્મ પાછા ન ખેંચાતા હું રાજીનામું આપું છું’. ઈમરાન ખેડાવાલા ગાંધીનગર ખાતે કાૅંગ્રેસ અગ્રણીઓને મળવા માટે પહોંચ્યા હતા. આ સ્થિતિમાં આજે ૩ વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેચવાની કાયદાકીય મર્યાદા હતી ત્યારે ખેડાવાલાએ હજુ સુધી વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપ્યું નથી.