લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026 |
વડોદરા |
2178
વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાની ચૂંટણી સંદર્ભે ઉમેદવારોની પસંદગી માટે ભાજપા દ્વારા બે દિવસિય સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરની જેમ જિલ્લામાં પણ દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. ત્ચારે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે નિરીક્ષકો, પ્રદેશ પ્રભારી, ધારાસભ્યો અને સાંસદ સભ્યની ઉપસ્થિતીમાં જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે સંકલન સમિતીની બેઠક મળી હતી. જેમાં વિવિધ બેઠકો પર ટીકીટોની ફાળવણી મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હવે દરેક બેઠક પર ૩-૩ના નામોની પેનલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો મોકલવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારોના નામોની યાદી પ્રદેશ માંથી જાહેર કરવામાં આવશે.
વડોદરા જિલ્લા પંચાયતની ૩૪, ડભોઈ, સાવલી, પાદરા અને નવી બનેલી વાધોડિયા નગર પાલિકા ઉપરાંત જિલ્લાના ૮ તાલુકાની તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ભાજપા દ્વારા બુધ અને ગુરૂવારે બે સ્થળે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં વિવિધ તાલુકાઓમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોને સાંભળ્યા હતા. જિલ્લામાં પણ જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ચૂંટણી લડવા ઈચ્છુકોનો રાફડો ફાટ્યો હતો. જાેકે, સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે સંકલનની બેઠક યોજાઈ હતી.
જિલ્લા સંકલનની બેઠકમાં પ્રદેશ ભાજપાના પ્રભારી ઋત્વીક પટેલ, નિરીક્ષકો તેમજ જિલ્લાના પાંચે ધારાસભ્યો અને સાંસદ સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.અને તાલુકા દીઠ બેઠકો માટે વિવિધ નામોની ચર્ચા કરવામાં આવી હતી. હવે દરેક બેઠક દીઠ ૩-૩ના નામોની યાદી પાર્લામેન્ટરી બોર્ડમાં જશે ત્યાંથી ઉમેદવારોના નામોની યાદી જાહેર થશે તેમ જિલ્લા ભાજપાના મહામંત્રી યોગેશ અધ્વર્યુએ જણાવ્યું હતુ.