વડોદરા, તા. ૨૫
વર્ષ ૨૦૨૦-૨૧માં શહેર પોલીસના શી ટીમ કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું ઉદઘાટન કરી વડોદરા શહેરની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા બાદ પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી દ્વારા વડોદરા શહેરમાં નવા ૪ પોલીસ મથકો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બનાવવા માટે આ વર્ષે દિવાળી ટાણે જ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં વધુ બે પોલીસ મથકો શરૂ કરવામાં આવશે. બે નવા પોલીસ સ્ટેશનો શરૂ થઈ ગયાં પછી શહેરમાં પોલીસ મથકોની કુલ સંખ્યા ૨૫ થઈ જશે.
વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તેમજ ટ્રાફિક વ્યવસ્થાપન, તેમજ ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા પોલીસ ખડેપગે હોય છે. વડોદરા શહેરનો કૂદકેને ભૂસકે વિકાસ થઈ રહ્યો છે. શહેરની સીમાઓ હવે ચારેબાજુ ફેલાઈ રહી છે. આજુબાજુના ગામોને શહેરની કોર્પોરેશનની હદમાં સમાવવામાં આવી રહ્યાં છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાને જાળવવાની જવાબદારીનો ભાર પોલીસ પર વધી ગયો છે. આ વિશે જણાવતાં વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે કહ્યું હતું કે, હાલ વડોદરા શહેરમાં વધુ બે પોલીસ મથકો મંગલેશ્વર ઝાંપા પોલીસ મથક અને અકોટા પોલીસ મથકો હંગામી ધોરણે શરૂ કરવામાં આવશે. હાલ અકોટા પોલીસ મથક ગોત્રી પોલીસ મથકની હદમાં છે. આ વિસ્તાર ખુબ જ મોટો છે. અકોટા વિસ્તારમાં કોઇ ઘટના બને ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોને છેક ગોત્રી સુધી લાંબું થવું પડે છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે અને લોકોની સુરક્ષામાં વધારો કરી સકાય એ માટે અકોટા પોલીસ મથક હંગામી ધોરણે દિવાળી પહેલાં શરૂ કરવામાં આવશે. તેમજ મંગલેશ્વર ઝાંપા પાસે એક પોલીસ મથક શરૂ કરવામાં આવશે. આ પોલીસ મથકમાં કારેલીબાગ, સિટી અને વારસિયા પોલીસ મથકોના હદના વિસ્તારોને સમાવવામાં આવ્યાં છે. જેથી આ ત્રણેય પોલીસ મથકોના વિસ્તારોની કાયદો - વ્યવસ્થાને જાળવવામાં સુદ્રઢતા રહે. અહીંના લોકોને પોલીસની ઝડપી અને સરળ સેવા મળી રહે તે હેતુથી મંગલેશ્વર ઝાંપા કુંભારવાડા પોલીસ મથક શરૂ કરવામાં આવશે.
વધુમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે જણાવ્યું હતું કે દિવાળી પહેલા શહેરમાં વધુ બે પોલીસ મથકો ઉમેરાશે, જેમાં કુંભારવાડા પોલીસ મથક અને અકોટા પોલીસ મથકો શરૂ થશે. બંનેમાં પીઆઇ સહિતાના સ્ટાફની નિમણૂક કરી દેવામાં આવી છે.
બંને પોલીસ મથકો માટે પીઆઇ સહિતના કર્મચારીઓની નિમણૂક કરાઈ
વડોદરા શહેર પોલીસ કમિશન અનુપમસિંહ ગેહલૌતે જણાવ્યંુ હતંુ કે, કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે શહેરમાં દિવાળી પહેલા બે નવાં પોલીસ મથકો શરૂ કરવામાં આવશે, જેમાં ગોત્રી વિસ્તારમાંથી અકોટા પોલીસ મથક અને કારેલીબાગ, વારસિયા અને સિટી પોલીસ મથકની હદ વિસ્તારમાં કુંભારવાડા પોલીસ મથક શરૂ કરવામાં આવશે. આ મથકો માટે પીઆઇ સહિતાના કર્મચારીઓની નિમણૂક થઇ ચૂકી છે.
સિટી અને ગોત્રી મથકના લોકઅપમાં આરોપી રખાશે
હંગામી ધોરણે અકોટા અને ભાંડવાડા પોલીસ મથકો શરૂ થશે તેમાં કોઇ કાયદેસરની કાર્યવાહી થશે, જેમાં કોઇ આરોપી પકડાશે તે આરોપીને પોલીસ મથકોમાં મૂકવામાં આવશે. અકોટા પોલીસ મથકમાં કોઇ આરોપી પકડાશે તો તેને ગોત્રી પોલીસ મથકમાં તેમજ ભાંડવાડા પોલીસ મથકમાં આરોપી પકડાશે તો તેને સિટી પોલીસ મથકમાં આવેલા લોકઅપમાં મૂકવામાં આવશે.
ક્યા વિસ્તારો નવા પોલીસ મથકમાં જાેડવામાં આવશે?
ગોત્રી વિસ્તાર ખુબ મોટો હોવાથી અકોટા વિસ્તારમાં રહેતાં લોકોને ગોત્રી પોલીસ મથક સુધી જવું પડતંુ હતું. તેને લઇને અકોટા વિસ્તારમાં અકોટા પોલીસ મથક શરૂ કરવામાં આવશે. તેમજ મંગલેશ્વર પોલીસ મથક હંગામી ધોરણે ભાંડવાડા વિસ્તારમાં શરૂ કરાશે. આ પોલીસ મથક શરૂ કરાવાનું મુખ્ય કારણ ત્રણ પોલીસ મથકની હદને લઇને સંવેદનશીલ વિસ્તાર હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરા શહેરમાં હવે ૨૫ પોલીસ મથકો
વડોદરા શહેર પોલીસને ચાર ઝોન એટલે કે ઝોન ૧, ૨, ૩ અને ૪માં વહેંચવામાં આવ્યા છે. આગળ આઠ વિભાગમાં એ, બી, સી, ડી, ઇ, એફ, જી અને એચમાં વહેંચાયેલું છે. જે હેઠળ હાલ ૨૩ પોલીસ મથકો આવેલા છે. હવે તે ૨૫ પોલીસ મથકોમાં વહેંચાશે. દરેક વર્તુળનું નેતૃત્વ મદદનીશ પોલીસ કમિશનર કરે છે. કાયદો અને વ્યવસ્થા પોલીસ મથકો ઉપરાંત, વડોદરા પોલીસ પાસે અન્ય શાખાઓ જેમ કે, ક્રાઇમ, ટ્રાફિક, પાસપોર્ટ, મહિલા, એસ-એસટી, સાયબર ક્રાઇમ વગેરે દ્વારા હવે વડોદરા શહેરના વધુ બે પોલસ મથક પર નજર રાખવામાં આવશે.
Loading ...