લોકસત્તા ડેસ્ક

શિયાળામાં સંતરાનું સેવન કરવાથી અઢળક લાભ થાય ​​છે. તેમાં રહેલા વિટામિન, ફાઇબર, એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ ગુણ શરીરને વિવિધ રોગોથી બચાવવામાં મદદ કરે છે. પરંતુ જો આપણે તેની છાલી વિશે વાત કરીએ તો તે પણ પોષક તત્ત્વોથી ભરેલી હોય છે. વાળ પર તેનો ઉપયોગ કરવાથી ખોડો, ખંજવાળ, શુષ્કતા દૂર થાય છે અને વાળ ઝડપથી ​​લાંબા થાય છે. ઉપરાંત વાળ સુંદર, સોફ્ટ અને શાઈની લાગે છે. 

વાળની સમસ્યાઓ દૂર કરવા અને તેને સુંદર બનાવવા માટે સૌથી પહેલા તો સંતરાની છાલનો પાવડર તૈયાર કરવો પડે છે. તેના માટે આ છાલને તડકામાં સુકવી અને તેને મિક્સરમાં પીસી લેવી. આ પાવડરને બોટલમાં સ્ટોર કરી લેવો.

1. જો તમને ખોડાની સમસ્યા હોય તો આ પાવડરને તેલમાં મિક્સ કરીને અને વાળમાં લગાવો. 30 મિનિટ બાદ વાળને ધોઈ લો. અઠવાડિયામાં 2 વખત આ રીતે કરવાથી ખોડો દૂર થાય છે. 

2. વાળ ડ્રાય હોય તો નારંગીની છાલના પાવડરમાં મધ ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળમાં લગાવો અને 30 મિનિટ માટે શાવર કેપ પહેરી રાખો. ત્યારબાદ વાળને ધોઈ લો. 

3. વાળને શાઈની અને સોફ્ટ બનાવવા માટે તાજા સંતરાનો રસ, તેની છાલનો પાવડર અને તેલને મિક્સ કરી અને વાળના મૂળમાં આ મિશ્રણને 1 કલાક માટે લગાવો. ત્યારબાદ વાળને સાફ કરી લો.