વડોદરા, તા. ૧૬

આખા વર્ષ માટે મરી-મસાલા ભરવાનો સમયનો પ્રારંભ થતાં જ ગ્રાહકોને બ્રાન્ડેડના નામે સસ્તાદરના ભેળસેળયુક્ત મસાલા પધરાવી દેવા માટે કેટલાક લાલચુ વેપારીઓ પણ સક્રિય થયા છે. મરી-મસાલા અને અનાજ માટે પ્રખ્યાત શહેરના હાથીખાના માર્કેટમાં પણ કેટલાક વેપારીઓ મરી-મસાલાના નામે સાવ હલ્કી ગુણવત્તાના તેમજ આરોગ્યમાટે હાનિકારક એવા ભેળસેળયુક્ત મરી મસાલાનું વેચાણ શરૂ કર્યું હોવાની એસઓજીની માહિતી મળી હતી. મરી-મસાલાના નામે શહેરીજનોના રસોડા સુધી એક પ્રકારનું ઝેર પહોંચાડતા આવા વેપારીઓને શોધવા માટે શહેર એસઓજી અને કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટુકડીએ આજે હાથીખાના માર્કેટમાં સંયુક્ત દરોડા પાડ્યા હતા અને બે દુકાનોમાંથી ૧૦.૭૪ લાખથી વધુનો મરી-મસાલાનો જથ્થો જપ્ત કરી તેના નમુના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

શહેરના એક જાગૃત નાગરિકે શહેર એસઓજીમાં જાણ કરી હતી કે વડોદરા શહેરમાં આવેલી ખાણી પીણીની લારીઓ તેમજ મોટાભાગના રેસ્ટોરાં સંચાલકો દ્વારા હાથીખાનામાં આવેલા અનાજ બજારમાંથી મરી-મસાલાની જંગી પ્રમાણમાં ખરીદી કરવામાં આવે છે. દરમિયાન હાથીખાના અનાજ બજારના કેટલાક વેપારીઓ ભેળસેળયુક્ત મસાલા વેંચવાના કેસમાં અગાઉ સંડોવાયેલા હોઈ અને કેટલાક વેપારીઓ ભેળસેળયુક્ત મરી મસાલા વેંચતા હોવાની ચોક્કસ શંકા હોઈ એસઓજીની ટીમે આજે સવારે કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો સાથે હાથીખાના અનાજ બજારમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડાના પગલે હાથીખાનાના ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

એસઓજી પીઆઈ એસ.વી.પટેલ અને સ્ટાફ તેમજ કોર્પોરેશનના અધિકારીઓની ટીમે હાથીખાના માર્કેટમાંથી અલગ અલગ દુકાનોમાં મસાલાઓમાં થતી ભેળસેળ અંગે ચકાસણી કરી હતી. આ પૈકી હાથીખાનામાં સી-૩માં આવેલી રાધિકા મસાલા તેમજ આઈ-૫૯ નંબરમાં આવેલી ગુરુકૃપા ટ્રેડર્સમાં તપાસ કરી હતી. આ બંને દુકાનોમાં મસાલાની પ્રાથમિક તપાસમાં ભેળસેળની શંકા ઉભી થતા પોલીસે આ બંને દુકાનોમાંથી ૨૧૩૯ કિલો મરચા પાવડર તેમજ ૩૩૮ કિલો હળદર પાવડર, ૯૫ કિલો મરી પાવડર, ૩૬.૮૦૦ કિલો ધાણાજીરુ પાવડર સહિત કુલ ૧૦,૭૪,૬૩૪ રૂપિયાનો ૨,૬૦૮ કિલો મરી-મસાલાનો જથ્થો સીઝ કર્યો હતો. આ બંને દુકાનોમાથી સીઝ કરાયેલા જથ્થાના નમુનાને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા હતા. આ સેમ્પલોના રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

લોલમલોલઃ ગુરુકૃપા ટ્રેડર્સ પાસે ફૂડ વિભાગનું લાઈસન્સ જ નથી

હાથીખાનામાં તુલસીવાડી તરફના ગેટ પાસે આવેલી ગુરુકૃપા ટ્રેડર્સમાંથી નમુના લેવાયા બાદ કોર્પોરેશનના અધિકારીઓએ દુકાનદારની પુછપરછ કરી હતી જેમાં તે ફુડ સેફ્ટીના લાયસન્સ વિના જ વેપાર ધંધો કરતો હોવાનું સપાટી પર આવ્યું હતું. આ વિગતનો પગલે કોર્પોરેશનની ટીમે દુકાનને તુરંત બંધ કરાવી હતી અને જ્યાં સુધી લાયસન્સ ના મેળવે ત્યાં સુધી દુકાન બંધ રાખવા માટે સુચના આપી હતી.

મસાલાનો જંગી જથ્થો સીઝ થતાં વેપારીઓમાં ફફડાટ

પોલીસ અને કોર્પોરેશનની ટીમે આજે ગુરૂકૃપા ટ્રેડર્સના માલિક પહેલાજ આસનદાસ નેહલાણી(ફ્લેટ નંબર ૫૦૨, દેવીનારાયણ સોસાયટી, વારસિયા) અને રાધિકા મસાલાના માલિક કમલેશ પરશરામ અલવાણી (દર્શનમ સ્પ્લેન્ડોરા, વાસણા-ભાયલીરોડ)ની

દુકાનમાંથી ૨૬૦૦ કિલોથી પણ વધુ મરી મસાલાનો જથ્થો સીઝ કર્યાની જાણ થતાં હાથીખાના બજારના વેપારીઓમાં આ મુદ્દો ચર્ચાની એરણે રહ્યો હતો.

ગુરુકૃપા ટ્રેડર્સ સામે ભેળસેળનો કેસ થયો હતો

એસઓજીની ટીમે આજે જે બે દુકાનોમાંથી મરી-મસાલાનો જથ્થો સીઝ કર્યો છે તે દુકાનોમાં ભેળસેળયુક્ત મરી મસાલાનું વેચાણ થતું બાતમીદારોએ શંકા વ્યક્ત કરતા બંને દુકાનોમાં તપાસ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ બંને દુકાનદારો પૈકી ગુરૂકૃપા ટ્રેડર્સના માલિક પહેલાજ નેહલાણી વિરુધ્ધ ગત ૨૦૨૩માં પણ ભેળસેળયુક્ત મરચા પાવડરનું વેચાણ કરવાનો કેસ દાખલ થયો હોઈ પોલીસની શંકા વધુ પ્રબળ બની છે.

એસઓજી દ્વારા એક માસથી સરવે કરીને લારી-ગલ્લા બાદ હવે દુકાનોમાં તપાસ

એસઓજીની વિવિધ ટીમોએ આશરે એક માસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં શાળા-કોલેજાે નજીકની લારીઓ અને હાથીખાના બજારમાં ખાનગી રાહે સરવે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પંદર દિવસ પહેલા ફુડ સેફ્ટી ઓફિસર સાથે ૪૫થી વધુ સ્થળોએ ચેકીંગ કરીને સેમ્પલો લેવાયા હતા. આ સર્વેના આધારે જ હવે હાથીખાના બજારમાં મરી-મસાલાનું ચેકીંગ હાથ ધરાયું હતું અને આગામી દિવસોમાં પણ ભેળસેળિયા વેપારીઓ પર સંકજાે કસવા માટે કામગીરી ચાલુ રહેશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.