લોકસત્તા ડેસ્ક 

કોરોના ફેલાતો રોકવામાં હાથને સંક્રમણથી મુક્ત રાખવું મહત્વનું છે. વારવાર સાબુ અને પાણીથી હાથ ધોવા સૌથી મહત્વનું છે. પરંતુ, કોરોના સંક્રમણ વધવાની સાથે સેનિટાઈઝરનો ઉપયોગ ઘણો વધી ગયો છે. બધા ખિસ્સામાં સેનિટાઈઝર લઈને ફરતા થઈ ગયા છે અને ઘરથી લઈને ઓફિસોમાં સેનિટાઈઝરનો ઉપયોગ વધી ગયો છે. પરંતુ, ડોક્ટરોના કહેવા મુજબ, સેનિટાઈઝરનો ત્યારે જ ઉપયોગ કરવો જોઈએ, જ્યારે સાબુ અને પાણી ઉપલબ્ધ ન હોય. કાયમ માટે સાબુ અને પાણીના વિકલ્પ તરીકે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

હકીકતમાં, સેનિટાઈઝરનો બેઝિસ કોન્સેપ્ટ કોઈ સપાટીને સ્ટેરલાઈઝ્ડ કરવાનો હોય છે. સેનિટાઈઝર કોઈપણ સપાટી પરથી વાયરસ, બેક્ટેરિયા, ફંગસ જેવી વસ્તુઓને ફ્રી કરી દે છે. એટલું જ નહીં, ડીએન, આરએન જેવી ઘણી વસ્તુઓ પણ સાફ થઈ જાય છે. દિલ્હીની રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલના સ્કીન સ્પેશિયાલિસ્ટ ડો. કબીર સરદાનાએ જણાવ્યું કે, સેનિટાઈઝરનો મર્યાદિત ઉપયોગ જ કરવો જોઈએ, કેમકે વધુ ઉપોયગ કરવાથી બોડીના સેલ્સનું વોટર કન્ટેન્ટ મરી જાય છે. જો સેનિટાઈઝરનો ઓવર યૂઝ કરવામાં આવે તો, તે પાણી ખેંચી લે છે, તેનાથી સ્કિન ડ્રાય થઈ જાય છે. એટલે, આલ્કોહોલમાં ક્યારેક-ક્યારેક ગ્લિસરીન મિક્ષ કરવામાં આવે છે, જેથી સ્કીન સૂકાઈ ન જાય. 

દરેક વસ્તુના ફાયદાની સાથે નુકસાન પણ હોય છે. સેનિટાઈઝરની સાથે પણ એવું જ છે. તે હાથોને સંક્રમણ મુક્ત બનાવવાનું કામ કરે છે, પરંતુ સાથે જ ત્વચા માટે તે નુકસાનકારક છે. જેમની ચામડી સંવેદનશીલ હોય છે, તેમને સેનિટાઈઝરના ઉપયોગથી બળતરા, ખંજવાળ, ચીરા પડવા, રેશેસ જેવી સમસ્યા થઈ શકે છે. કોરોના સંક્રમણ સામે રક્ષણ માટે આલ્કોહોલ બેઝ્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ, આલ્કોહોલ વધુ માત્રામાં હોવાથી સેનિટાઈઝર હાથોને શુષ્ક કરી દે છે.