શું તમને ચક્કર આવે છે?આ રહ્યો ઇલાજ

લોકસત્તા ડેસ્ક

ચિકિત્સાના વિશાળ ક્ષેત્રમાં દૈનિક વ્યવસાયમાં જોવામાં આવતા વિવિધ રોગોમાં ભ્રમ-ચક્કરની ગણના સહેજ કરી શકાય. પાશ્ચાત્ય વૈદિકમાં વર્ટિગોના નામથી આ રોગને ઓળખવામાં આવે છે.

વર્ટિગોમાં ફેર ચડવાની અસાધારણ અને અકળાવનારી અનુભૂતિ થતી હોય છે. એના પરિણામે શરીરનું સંતુલન ખોરવાઈ જાય છે અને ચાલવું કે વાહન ચલાવવું મુશ્કેલ બની જાય છે. વર્ટિગોના હુમલા દરમિયાન આંખો એક દિશામાં વારંવાર ચકળવકળ થતી રહે છે. એને તબીબી ભાષામાં નાઇસ્ટેગ્મસ તરીકે ઓળખવામાં આવે છે. 

ચક્કરનું આ ચક્કર થોડી સેકન્ડ સુધી, થોડા કલાકો સુધી કે કેટલાક દિવસો સુધી ચાલી શકે છે. આ સ્થિતિમાં સૂઈ જવાથી કે એક સ્થાને બેઠા રહેવાથી આરામ મળે છે, પરંતુ ચક્કરનું ચક્કર ચાલતું રહે એ શક્ય છે. લોકોને ઘણાં કારણસર ચક્કર આવી શકે છે. દરેક કિસ્સામાં એનાં લક્ષણો જુદાં હોય છે.

* મેનિયર્સ ડિસીઝથી પીડાતા લોકો પર ચક્કરના હુમલા અચાનક થતા હોય છે. આ હુમલા વેળાએ લોકોના કાનમાં ઘોંઘાટ થાય છે, ધીમે-ધીમે બહેરાશ આવે છે. જોરદાર ઊબકા આવે છે અને ઊલટી પણ થઈ શકે છે. આવા હુમલા જેટલા ઝડપથી આવે એટલા ઝડપથી શમી જતા હોય છે અથવા કેટલીક મિનિટો સુધી ચાલતા હોય છે. એનો વિસ્તાર કેટલાક કલાકો સુધી થાય એ પણ શક્ય છે.

* કાનની અંદરના ભાગમાં વાઇરસ ઇન્ફેક્શન થયું હોય એવા લોકોને અચાનક ચક્કર આવે છે અને કલાકો સુધી એ વકરે છે. તેમને જોરદાર ઊબકા આવતા હોય છે. આ પ્રકારની બીમારીનો ભોગ બનેલા લોકોએ પૂતળાની માફક એક સ્થાને બેઠા રહેવું પડે છે, કારણ કે તેઓ હાથ કે આંખના ડોળા સુધ્ધાં હલાવે તો તેમને ઊલટી થઈ શકે છે. સામાન્ય રીતે આ બીમારી થોડા દિવસમાં દૂર થઈ જતી હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં એ મહિનાઓ સુધી ચાલ્યાનું પણ નોંધાયું છે.

* મગજની ચોક્કસ બીમારીથી પીડાતા લોકોને પણ ચક્કર આવતાં હોય છે. તેમને ચક્કર આવવાની સાથે માથાનો દુખાવો થાય છે. જીભના લોચા વળે છે. હાથ-પગમાં નબળાઈ અનુભવાય છે. હાથ-પગના હલનચલન વચ્ચે સંકલન નથી રહેતું. આવા લોકો સભાનતા ગુમાવી બેસતા હોય છે.

* ખોપરીમાં અચાનક દબાણ વધી જાય એના કારણે જે ચક્કર આવે છે ત્યારે એની સાથે નજર સામેનું બધું ધૂંધળું દેખાય છે અને સ્થિરતાપૂર્વક ડગલાં ભરી નથી શકતાં.

* મસ્તકને ઘુમાવીએ અને ગાલને છેક ખભા સુધી ઢાળી દઈએ ત્યારે સર્વાઇકલ વર્ટિગો અનુભવાય છે. આ કિસ્સામાં ગરદનની હિલચાલ મર્યાદિત થઈ જતી હોય છે.

હુમલો જેટલો ગંભીર હોય એના પ્રમાણમાં લોકોને કઠણાઈનો અનુભવ થતો હોય છે. નીચે જે કસરતોનો ઉલ્લેખ કર્યો છે એ તમારા કાનના આંતરિક હિસ્સાને સારી રીતે કામ કરવામાં તથા સંતુલન જાળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તમને જે પ્રકારનાં ચક્કર આવતાં હોય એ સ્થિતિને ડૉક્ટરની સલાહ લઈ શકો.

* તમે સ્થિર ઊભા રહીને સંતુલન જાળવવા પ્રયાસ કરો.

* આગળ-પાછળ, ડાબે-જમણે ઢળતા રહીને સંતુલન જાળવવા પ્રયાસ કરો.

* ચાલતાં-ચાલતાં સંતુલન જાળવો.

* મસ્તકની મૂવમેન્ટ્સ વર્ટિગોનું સર્વસામાન્ય કારણ હોય છે. માથું હલાવવાની કસરત તમારા શરીરનું સંતુલન જાળવવામાં ઉપકારક નીવડશે.

વર્ટિગોનો દરેક કેસ અલગ હોય છે અને તેથી એની સારવાર પણ અલગ રીતે જ કરવી પડે છે. નિદાન અને ઉપચાર માટે દર્દીના ભૂતકાળને વિગતવાર તપાસવો પડે. તેનાં આંખ, કાન, નાકની તપાસ કરવી પડે. તેના શરીરમાં રક્તનો સંચાર બરાબર થાય છે કે નહીં એ પણ જોવું પડે. તેના માથામાં ટયુમર છે કે કેમ એ નક્કી કરવા માટે તેનું એમઆરઆઇ સ્કૅન પણ કરાવવું પડે. જે-તે દર્દીની બીમારીને આધારે તેને દવા આપવાની તથા એક્સરસાઇઝ કરવાનું કહેવાનું. જૂજ કિસ્સામાં સર્જરીની ભલામણ પણ કરવી પડે.

લોકો અસ્થિરતાને વર્ટિગો માનવાની ભૂલ કરી બેસતા હોય છે. સતત ચક્કર આવતાં હોય એને વર્ણવવા માટે વર્ટિગો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે નુકસાનકર્તા ન હોય એવી શારીરિક હળવાશને તો ડિઝીનેસ કહેવામાં આવે છે. ડિઝીનેસના ગંભીર સ્વરૂપને વર્ટિગો કહે છે. વર્ટિગોનો ભોગ બનેલા લોકોએ સાદો, ઓછા નમકવાળો ખોરાક ખાવો જોઈએ અને વેજિટેબલ જૂસ પીવો જોઈએ એવી ભલામણ ડૉ. દલાલ કરે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution