ગાંધીનગર

મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય કરીને કૃષિ અને બાગાયત ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસથી બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવાના નક્કર પરિણામલક્ષી આયોજન સાથે એક મહત્વપૂર્ણ કદમ રૂપે 'મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન'ની જાહેરાત કરી છે.

30 વર્ષની મુદત માટે સરકારી પડતર જમીનો બાગાયતી-ઔષધિય પાકની ખેતી માટે લીઝ પર અપાશે. ભાડાપટ્ટાની જમીન માટે પ્રથમ પાંચ વર્ષ સુધી કોઇ રેન્ટ-ભાડુ નહિ લેવાય અને આ કારણોસર સમગ્ર રાજ્યમાં અંદાજે પ૦ હજાર એકર બિન ખેડવાણ વાળી જમીન ખેડવાણયુકત બનશે અને બાગાયતી-ઔષધિય પાક ઉત્પાદનમાં વધારો થશે. જમીન ફાળવણી માટે જમીનના બ્લોકની યાદી આઇ-ખેડૂત પોર્ટલ પર જાહેર થશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીન આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે લીઝ ઉપર અપાશે. અને ૬ વર્ષથી ૩૦ વર્ષ સુધી પ્રતિ એકર પ્રતિવર્ષ રૂ. ૧૦૦થી રૂ. પ૦૦નું ભાડુ લેવાશે 

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી ખેડવાણની સરકારી પડતર જમીનોને લાંબાગાળાના લીઝ પર ફાળવી તેને ઉપજાઉ બનાવીને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતીથી વધુ આવક મેળવવાનો અને આવા પાક ઉત્પાદનના વેલ્યુએડીશનથી એકસપોર્ટ-નિકાસનું પ્રમાણ વધારવા તથા રોજગારના નવા અવસરો સર્જવાનો આ 'મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન'નો મુખ્ય ઉદેશ્ય છે. 

આ માટે પ્રોજેક્ટ દીઠ જમીનનું ક્ષેત્રફળ ૧૨૫ એકર થી ૧૦૦૦ એકર (૫૦ હેકટર થી ૪૦૦ હેકટર સુધી) સુધી રહેશે. સમગ્ર રાજ્યમાં આવી અંદાજીત પ૦ હજાર એકર જમીનોની ૩૦ વર્ષની લીઝ ઉપર ફાળવણી કરાશે. 

યાદીમાં અગાઉથી નકકી કરાયેલા વિસ્તારો / સર્વે નંબરની જમીનો પૈકી જે જમીનમાં બાગાયતી કે ઔષધિય પાકોની ખેતી કરવા માંગતા હોય તે જમીન ભાડાપટ્ટે મેળવવા અરજદારે પોતાના જમીન વપરાશના આયોજન સાથે આઇ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે. 

અરજદાર તરફથી ઓનલાઇન મળતી દરખાસ્તની રાજ્યકક્ષાની ટેકનીકલ સમિતિ તાંત્રિક ચકાસણી કરશે અને રાજયકક્ષાની ઉચ્ચ સ્તરીય સમિતિ(હાઇ પાવર કમિટી)ને ભલામણ માટે મોકલશે.

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રચાનારી રાજયકક્ષાની ઉચ્ચ સ્તરીય સમિતિ(હાઇ પાવર કમિટી) દરખાસ્ત ચકાસી જમીન ભાડાપટ્ટે આપવા ભલામણ કરશે. આવી ભાડાપટ્ટે અપાનારી જમીનની લીઝની મુદ્દત મહત્તમ 30 વર્ષની રહેશે. આમ છતાં લીઝ ધારક અને સરકારની પરસ્પર સંમતિથી, સરકાર લીઝ પૂર્ણ થયે વધુ મુદત માટે ભાડાપટ્ટો લંબાવવા વિચારણા કરી શકાશે. 

લીઝધારક લીઝની મુદત પૂર્ણ થતા પહેલા જમીન પરત આપવા માંગતા હોય તો, જમીન સરકારને પરત આપી શકશે.

- ૬ થી ૧૦ વર્ષ માટે દર વર્ષે એકર દીઠ રૂ. ૧૦૦ • ૧૧ થી ૨૦ વર્ષ માટે દર વર્ષે એકર દીઠ રૂ. ૨૫૦

- ૨૧ થી ૩૦ વર્ષ માટે દર વર્ષે એકર દીઠ રૂ. ૫૦૦ બેઝીક ભાડુ રહેશે.

- સિકયુરિટી ડિપોઝીટ તરીકે એકર દીઠ રુ. ૨૫૦૦ જમીન ફાળવણી વખતે એક સાથે ભરવાની રહેશે. એટલું જ નહિ, પાંચ વર્ષમાં પ્રોજેક્ટમાં મંજુર થયા અનુસારનું ડેવલપમેન્ટ જમીન પર કરવાનુ રહેશે.