વડોદરા, તા.૧૪

શહેરના તાંદલજા વિસ્તારની સમીમ પાર્કમાં સવારે મહાનગરપાલિકા સંચાલિત ડોર ટુ ડોર કચરો લેવા જતા ગાડીના ચાલકે ઘરઆંગણે રમતા પાંચ વર્ષના માસૂમ બાળકને ટેમ્પો રિવર્સ લેતી વખતે પાછલા વ્હીલ નીચે કચડી નાખતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને ગાડીના ચાલકને ઝડપી લઈ પોલીસને સોંપ્યો હતો. પોલીસ આ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની વિગત અનુસાર પાલિકા દ્વારા શહેરી વિસ્તારની સોસાયટીમાંથી ડોર ટુ ડોર કચરો લેવામાં આવતો ટેમ્પો વોર્ડવાઈઝ સોસાયટીઓમાં કચરો ઉઘરાવે છે. આજે સવારે શહેરના તાંદલજા વિસ્તારમાં રોજબરોજ કચરો લેવા જતો ટેમ્પોચાલક અનિલ ખુમચંદ ગરવાલ (ઉં.વ.રર, રહે. વડસર બ્રિજ)નાનો તાંદલજાની સમીમ પાર્કમાં ડોર ટુ ડોર કચરો લેવા ગયો હતો, જ્યાં સોસાયટીમાંથી કચરો લઈને ચાલક ટેમ્પોને ગલીમાંથી રિવર્સ લેતો હતો તે દરમિયાન ઘરઆંગણે પાંચ વર્ષીય મહંમદઔન અમજદ ખાન પઠાણ રમતો હતો ત્યારે તેને અડફેટે લીધો હતો. માસૂમ બાળક પર ટેમ્પોનું વ્હીલ ફરી વળતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવને પગલે સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને ટેમ્પોચાલકને ઝડપી લીધો હતો. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે પઠાણ પરિવારમાં ઘેરાશોકની લાગણી વ્યાપી ગઈ હતી. અકસ્માત મોતના બનાવની જાણ જે.પી. રોડ પોલીસ મથકે કરવામાં આવી હતી. પોલીસ બનાવસ્થળે આવી પહોંચી હતી અને ઝડપી પાડેલા ટેમ્પો ડ્રાઈવરને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.