વડોદરા, તા.૭

સંગઠનની જવાબદારીમાં નિષ્ફળ નીવડેલા શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહે સમિતિના ધો.૮ પાસ બાળકોના ધો.૯માં પ્રવેશ માટે બેઠક યોજી કોર્પોરેશનના હોદ્દેદારો કે ધારાસભ્યોને પૂછયા વગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધો.૯ અને ૧૦ના વર્ગો શરૂ કરવાની મંજૂરી માટે શિક્ષણમંત્રીને રજૂઆત કરવા શિક્ષણ સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષને દોડાવતાં વિવાદ સર્જાયો છે.

વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે તાજેતરમાં શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહની અધ્યક્ષતામાં સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ સહિતની ઉપસ્થિતિમાં ધો.૮માં ઉત્તીર્ણ થઈ ધો.૯માં આગામી શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જાે કે, શિક્ષણ સમિતિની કચેરીમાં શહેર ભાજપા પ્રમુખના અધ્યક્ષસ્થાને બેઠક યોજાતાં વિવાદ સર્જાયો હતો.

આ વિવાદ વચ્ચે શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહે આ સંદર્ભે શિક્ષણમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત બાદ શુક્રવારે શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને શિક્ષણ સમિતિની શાળામાં ધો.૯ અને ૧૦ની મંજૂરી આપવામાં આવે તેવી લેખિત અરજી લઈને શિક્ષણમંત્રીના કાર્યાલય ખાતે રજૂઆત કરવા દોડાવ્યા હોવાનું જાણવા મળે છે.

ત્યારે વડાપ્રધાન અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષના મહત્ત્વના કાર્યક્રમમાં સંગઠનની જવાબદારીમાં સરેઆમ નિષ્ફળ રહેલા શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહના ઈશારે વધુ એક વખત કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખ અને ધારાસભ્યોને પૂછયા વગર શિક્ષણ સમિતિની શાળામાં ધો.૯-૧૦ ના વર્ગો શરૂ કરવા દોડાવતાં વિવાદ સર્જાયો છે. જાે કે, રાજ્ય સરકારમાં વડોદરાના બે મંત્રી છે. ત્યારે તેઓ થકી વડોદરાની રજૂઆત કરવાને બદલે સીધી શિક્ષણમંત્રીને રજૂઆત કરવા દોડાવાતાં ભાજપામાં જૂથબંધી ફરી સપાટી પર આવી છે.

ડો. વિજય શાહનું ગુમાન સંકલનને પૂછે છે પરંતુ હું કહું એ જ આખરી નિર્ણય!

સંગઠનની કામગીરીમાં તમામને સાથે લઈને ચાલવું એ ફરજ છે પરંતુ શહેર ભાજપા પ્રમુખ ડો.વિજય શાહ ‘એકલા ચલો’ની નીતિ અપનાવી વડોદરા શિક્ષણ સમિતિની શાળાઓમાં ધો.૯ અને ૧૦ના વર્ગો શરૂ કરવાની મંજૂરી માટેની રજૂઆત કરવા અંગેનો નિર્ણય ભાજપાની સંકલનમાં મુકાયા સિવાય રજૂ થયો, પરંતુ તે સંકલનમાં કોઈ ચર્ચા વગર આ વિષય સરકારમાં ગયો પછી પાર્ટીનો નિર્ણય બ્ ાની જાય છે તેવી ચર્ચા પણ ભાજપા મોરચે થઈ રહી છે.

નવા વર્ગો શરૂ થશે તો ખર્ચ કોણ ભોગવશે?

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં હાલમાં જ સુવિધાઓ વધારવા પૈસા નથી. બજેટનો મોટાભાગનો ખર્ચ મહેકમ પાછળ થાય છે. ત્યારે ધો.૯ અને ૧૦ના નવા વર્ગો જાે શરૂ કરવામાં આવે તો તેનો ખર્ચ કોણ ભોગવશે?

મેયરને નીચા જાેવાનું કરાવવા ખેલ કર્યો?

મેયર કેયુર રોકડિયા જ્યારે શિક્ષણ સમિતિના ચેરમેન હતા ત્યારે તેમણે શિક્ષણમંત્રી સાથે સમિતિની શાળામાં ધો.૯ અને ૧૦ના વર્ગો શરૂ કરવા મૌખિક ચર્ચા કરી હતી. પરંતુ તે વખતે આર્થિક ભારણ વધશે તેમ કહીને ના પાડવામાં આવી હતી. ત્યારે તે વખતે તત્કાલીન ચેરમેન કેયુર રોકડિયા ના કરાવી શક્યા તે કર્યું તે બતાવી આપવા આ ખેલ કરાયો તેવી ચર્ચા ભાજપા મોરચે થઈ રહી છે.

ચૂંટાયેલી પાંખના નેતાઓ તો ઠીક વોર્ડના મહામંત્રી જેવા પ્રમાણમાં નાના હોદ્દાના કાર્યકરો પણ હવે શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહની બાદબાકી કરવા માંડયા છે. એ જ બતાવે છે કે પાર્ટીને ‘હાઈજેક’ કરી હાવી થઈ જવાની ડો. વિજય શાહની કપટી નીતિ-રીતિથી પાર્ટીના સામાન્ય કાર્યકરો પણ કેટલાં કંટાળી ગયા છે. આવતીકાલે તા.૮મીના યોજાનાર ઉપરોકત કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહનું નામોનિશાન નથી. ચાર દિવસથી આ પત્રિકાએ જગાવેલી ચર્ચાના કારણે આવતીકાલનો આ કાર્યક્રમ રદ કરાયો હોવાની વાતો સંભળાય છે. આથી આ કાર્યક્રમ અન્ય કોઈ વ્યાજબી કારણસર રદ કરાયો ? કે પછી પોતાનું નામ નહીં હોવાના કારણે છંછેડાઈને આ કાર્યક્રમ બંધ રખાવવાની ફરજ પડાઈ છે? આ સવાલ હાલ તો ભાજપામાં ચર્ચામાં કેન્દ્ર સ્થાને છે.