ડો. વિજય શાહે સફળતા માટે જૂઠી વાહવાહી કરાવવા કાર્યકરોની સંખ્યા વધારીને બતાવી?
09, ડિસેમ્બર 2021

વડોદરાઃસસ્તી સ્વપ્રસિદ્ધિ મેળવવા માટે કાર્યકરોની અવગણના કરનાર શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. તાજેતરમાં યોજાયેલ સ્નેહમિલન સમારંભમાં કાર્યકરોની સંખ્યા ચાર ગણી બતાવવાના મામલે ડો. વિજય શાહ સામે ગણગણાટ શરૂ થયો છે. આ સંદર્ભે વિરોધી જૂથે કાર્યકરોની ઉપસ્થિતિના આંકડા પ્રદેશમાં રજૂ કરતાં શહેર ભાજપા પ્રમુખની સ્થિતિ કફોડી બની હોવાનું શહેર ભાજપામાં ચર્ચાઈ રહ્યું છે.

વડોદરા શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહની કાર્યપદ્ધતિને લઈને તેમજ કાર્યકરોની અવગણના, ઉપરાંત સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વેરઝેરની ભાવના સહિત વિવિધ મુદ્દે પ્રદેશકક્ષાએ રજૂઆત થયા બાદ સમગ્ર મામલો પ્રદેશકક્ષાએ પહોંચતાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હાજર થવા આપેલી સૂચનાના અહેવાલ વચ્ચે વધુ એક વિવાદ સામે આવ્યો છે.

તાજેતરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નૂતન વર્ષ અને સ્નેહમિલન સમારોહમાં કાર્યકરોની સંખ્યા ચાર ગણી બતાવવાના મામલે ભાજપામાં ગણગણાટ શરૂ થયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નવલખી મેદાન ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં અલગ અલગ બ્લોક બનાવી છ થી સાત હજાર જેટલી ખુરશીઓ મુકવામાં આવી હતી. પરંતુ પ્રદેશ ભાજપામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિતોના આંકડા રપ હજાર રજૂ કરવામાં આવ્યા હતા. જાે કે, શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહના વિરોધી જૂથે ૬૫૦૦ કાર્યકરોની ઉપસ્થિતિના આંકડા રજૂ કરતાં ડો. વિજય શાહની સ્થિતિ કફોડી બની હતી. જાે કે, સ્નેહમિલન સમારંભમાં ઉપસ્થિત કાર્યકરોના આંકડાનો વિવાદ વકરતાં તમામ મોરચે હવે સમાધાનના પ્રયાસ શરૂ કર્યાનું શહેર ભાજપાવર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

કાર્યક્રમમાં હાજરીનું ટેકનિકલ એનાલિસીસ પ્રદેશ પ્રમુખને ખાનગીમાં અપાયું?

નવલખી મેદાનમાં યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમનું શહેર ભાજપા પ્રમુખના વિરોધી જૂથ પૈકી કેટલાક કેટલો એરિયા હતો, કયા બ્લોકમાં કેટલા લોકો બેઠા હતા તેનું ડ્‌્રોઈંગ બનાવી નકશા અને

ટેકનિકલ એનાલિસીસ સાથે પ્રદેશ ભાજપા પ્રમુખને ખાનગીમાં રજૂ કરાયું હોવાનું પણ શહેર ભાજપામાં ચર્ચાઈ રહ્યું છે.

ભાજપાના એક નેતાએ ફોટામાં ખુરશીઓ ગણવા માણસ બેસાડયો

શહેર ભાજપા દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ડ્રોન તેમજ કેમેરાથી કરાયેલ ફોટોગ્રાફીના ફોટોગ્રાફ વાયરલ કરાયા હતા. ત્યારે ભાજપાના એક નેતાએ ફોટાના આધારે ખુરશીઓ સાથે કેટલા માણસો ઉપસ્થિત છે તે ગણવા એક માણસ બેસાડી તેના નંબરિંગ સાથે પ્રદેશ પ્રમુખને રિપોર્ટિંગ કરાયું હોવાનો પણ ગણગણાટ ભાજપા મોરચે થઈ રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution