વડોદરા, તા. ૧૩

સત્તાના નશામાં ફાટીને ધુમાડે ગયેલા શહેર ભાજપાના હોદ્દેદારો અને અગ્રણીઓ દ્વારા આચરવામાં આવતી ગુનાખોરીની કરતુતો વારંવાર સપાટી પર આવે છે પરંતું હવે આવા હોદ્દેદારો અને અગ્રણીના પગલે કાર્યકરોએ પણ ચાલવાનું શરૂ કર્યું હોવાનો કિસ્સો ગત રાત્રે બન્યો હતો. હરણીરોડ પર આવેલી કુંવારેશ્વર સોસાયટીમાં રહેતો અને અગાઉ પણ વિવાદમાં સપડાયેલો શહેર ભાજપા યુવા મોરચાનો પ્રમુખ પાર્થ પુરોહિતે ગત રાત્રે તેની સોસાયટીમાં ઉભેલા એક વૃધ્ધ સાથે કારણવિના ઝઘડો કર્યા બાદ વૃધ્ધ અને તેના પુત્રને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ મથકમાં પહોંચતા જ શહેર ભાજપા પ્રમુખ વિજય શાહ અને શહેર ભાજપા મહામંત્રી સુનિલ સોલંકીએ આ બનાવમાં દરમિયાનગીરી કરી હતી અને ભાજપાની આબરુ ફરી ખરડાય નહી તે માટે આડકતરી રીતે ઈજાગ્રસ્ત પિતા-પુત્ર પર દબાણ કરીને સમાધાન કરાવી સમગ્ર મામલો રફેદફે કરીને હુમલાખોર પાર્થ પુરોહિતને બચાવી લેતા ગુનાહિત માનસ ધરાવતા કાર્યકરોને છાવરવાની નિતી સામે શહેરીજનોએ ભાજપા અગ્રણી અને કારેલીબાગ પોલીસ પર ફીટકાર વરસાવ્યો છે. હરણીરોડ પર લજપતનગરમાં પરિવાર સાથે રહેતા રાજુભાઈ લાલચંદાણી ગઈ કાલે રાત્રે તેમના ઘરની બાજુમાં આવેલી કુંવારેશ્વર સોસાયટીમાં કામઅર્થે ગયા હતા. રાત્રે તે સોસાયટીના એન્ટ્રી ગેટથી દુર સાઈડમાં ઉભા હતા તે સમયે કુંવારેશ્વર સોસાયટીમાં રહેતો શહેર ભાજપાના યુવા મોરચાનો પ્રમુખ પાર્થ પુરોહિતે રાજુભાઈને જાેતા તેમની પાસે ગયો હતો અને તેમની સાથે રસ્તામાં ઉભા રહેવાના મુદ્દે બોલાચાલી કરી હતી. રાજુભાઈએ પોતે એકદમ સાઈડમાં ઉભા છે તેમ કહેતા સત્તાના નશામાં ચુર પાર્થે જણાવ્યું હતું કે મારે આ બાજુથી જ જવુ છે, તમે અહી કેમ ઉભા છો ?પોતાની પિતાની ઉંમરના વૃધ્ધ સાથે ઉગ્ર બોલાચાલી કરતા પાર્થ પુરોહિતે ત્યાં આવેલા રાજુભાઈના પુત્ર અનિલભાઈ અને પત્ની દુર્ગાબેન સાથે પણ ત્યાં આવી પહોંચતા પાર્થના ટપોરીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા અને લાલચંદાણી પરિવાર જાણે કોઈ ગુનેગાર હોય તેમ પાર્થ અને તેના સાગરીતોએ રાજુભાઈ અને અનિલભાઈ પર ુહમલો કરી તેઓને જાહેરમાં ફેંટો અને મુક્કા માર્યા હતા. આ હુમલામાં મુઢ માર વાગતા રાજુભાઈએ કારેલીબાગ પોલીસને જાણ કરી હતી અને ફરિયાદ નોંધાવવા માટે અરજી આપી હતી પરંતુ પોલીસે કોઈ ફરિયાદ નોંધી નહોંતી. જાેકે મામલો પોલીસ મથકે પહોંચતા જ ટપોરીના સહારે લુખ્ખાગીરી કરતો પાર્થ ફફડી ઉઠ્યો હતો અને તેણે તુરંત તેના આકાઓ સુનિલ સોલંકી અને વિજય શાહને જાણ કરી હતી જેના પગલે શહેર ભાજપાના આ બંને અગ્રણીઓ તુરંત સક્રિય થયા હતા અને તેઓએ આ મામલે પોલીસ ફરિયાદ ના નોંધાય તેવા પ્રયાસો શરૂ કર્યા હતા. લાલચંદાણી પરિવાર પણ ઈમરજન્સીના સમયથી સંઘ પરિવાર સાથે સક્રિય રીતે જાેડાયેલો હોઈ અને તેઓ પણ ભાજપાના અગ્રણીઓથી પરિચિત હોઈ ભાજપાના અગ્રણીઓએ આ પરિવારને આડકતરીતે દબાણ કરી રાજુભાઈએ આખરે સમાધાનની ફરજ પાડી હતી. ગુનાહિત માનસ ધરાવતા અને વારંવાર વિવાદમાં સપડાતા પોતાના પક્ષના અગ્રણી કાર્યકરોને ભાજપાના હોદ્દેદારોએ જે રીતે સત્તા અને વગનો ઉપયોગ કરી બચાવી લીધો છે તેની સમગ્ર વિગતો આખરે ચર્ચાના ચગડોળે ચઢી હતી જેના પગલે ભાજપા અગ્રણીઓ પર શહેરીજનોએ ફિટકાર વરસાવ્યો છે.

મતદાનના દિવસે જ પાર્થે ભાજપાના કોર્પોરેટર પર આક્ષેપો કરેલા

ભાજપાના યુવા મોરચાના પ્રમુખને વિવાદ સાથે જુનો નાતો છે. ગત કોર્પોરેશનની ચુટણી દરમિયાન મતદાનના દિવસે જ પાર્થે હાલના ભાજપાના કોર્પોરેટર સામે એવા આક્ષેપ કર્યા હતા કે તેમના ઈશારે રાજુ સરદાર નામના એક યુવકે તેનું મતદાન કેન્દ્ર પાસેથી અપહરણ કર્યા બાદ તેને ગોંધી રાખી ફેરવ્યો હતો અને ધમકી આપ્યા બાદ તેને મતદાન પુરૂ થયા બાદ છોડ્યો હતો. જાેકે પોતાના જ પક્ષના ઉમેદવાર સામે આક્ષેપ કરતા પાર્થ જે તે સમયે પણ વિવાદમાં સપડાયો હતો.

નરેન્દ્ર મોદી ઈમરજન્સીના સમયમાં અમારા ઘરે જમતા હતા

શહેર ભાજપા યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતે જે પરિવાર પર હુમલો કર્યો છે તે રાજુભાઈ લાલચંદાણીએ જણાવ્યું હતું કે અમારો પરિવાર કરાચીથી અત્રે આવ્યા બાદ આઝાદીના સમયથી આરએસએસ સાથે ગાઢ રીતે જાેડાયેલો છે. મારા પિતા સંઘ સાથે જાેડાયેલા હતા અને ઈમરજન્સીના સમયમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમારી માતાએ ૨૫થી ૩૦ વખત જમાડ્યા હતા. એટલું જ નહી અમારી ઘરે લાલકૃષ્ણ અડવાણી, રજ્જુ ભૈયા જેવા ટોચના નેતાઓની અવરજવર રહેતી હતી. નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા ત્યારે તેમણે મારા પિતાને કોર્પોરેશનમાં કામગીરી કરવા માટે અને રાજકારણમાં જાેડાવવા માટે આહ્વવાન કર્યું હતું પરંતું અમે અમે રાજકારણમાં નહી જવા માટે વિનંતી કરતા અમારા પિતા સક્રીય રીતે રાજકારણમાં જાેડાયા નહોંતા. જાેકે સંઘ સાથે જાેડાયેલા હોઈ અમે ભાજપાના તત્કાલીન કોર્પોરેટેરો ગીતાબેન દેસાઈ, પાંડુ યાદવ અને ઉમાકાંત જાેષી માટે કામગીરી કરી હતી. ગઈ કાલના બનાવ બાદ ભાજપા અગ્રણી સુનિલ સોલંકીએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું છે જેના કારણે અમે અરજી પરત ખેંચીયે છે.

શહેર ભાજપના નેતાઓએ ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન કરી કેસ દબાવી દીધો

ગઈ કાલે રાત્રે ભાજપાના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતે વૃધ્ધ અને તેના પુત્ર પર હુમલો કર્યો હતો અને નજરે જાેનાર સાક્ષીઓના કહેવા મુજબ ગત રાત્રે કુંવારેશ્વર સોસાયટીમાં હુમલાનો બનાવ બન્યો છે અને કારેલીબાગ પોલીસ ઘટનાસ્થળે પણ આવી હતી. જાેકે શહેર ભાજપના નેતાઓએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ફોન કરીને કેસ દબાવી દેવા આ સમગ્ર બનાવ પર પડદો પડી ગયો છે. આ બનાવ અંગે કારેલીબાગ પીઆઈ દેસાઈએ હું વાહન ચલાવું છું , પછી ફોન કરુ છું તેમ જણાવ્યું હતું જયારે એચ ડિવીઝનના એસીપી વી.જી.પટેલે ફોન રિસિવ નહી કરતા પોલીસની પ્રતિક્રિયા મળી શકી નહોંતી.

કારેલીબાગ પીઆઈ દેસાઈ શું ભાજપાના દરબારમાં મુજરો કરે છે ?

અગાઉ હરણી પોલીસ મથકમાં ફરજ દરમિયાન વિવાદમાં સપડાયા બાદ હવે કારેલીબાગ પોલીસ મથકમાં ટ્રાન્સફર થયેલા પીઆઈ બી.કે.દેસાઈએ ગઈ કાલે શહેર ભાજપાના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત સામે ઈજાગ્રસ્ત પરિવારે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા માટે લેખિત અરજી કરી હતી પરંતું કદાચ ભાજપાના અગ્રણીઓના ઈશારે તેમણે આ બનાવમાં કોઈ કાર્યવાહી કરી નહોંતી. પીઆઈ દેસાઈ અને કારેલીબાગ પોલીસે જે રીતે ભાજપાના હોદ્દેદારને બચાવવા માટે તુરંત કામગીરી નહી કરતા શહેરીજનોમાં એવો પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું કારેલીબાગ પીઆઈ દેસાઈ ભાજપાના દરબારમાં મુજરો કરે છે ? અને જાે ભાજપા અગ્રણીઓના ઈશારે કામગીરી ના કરી ના હોય તો પછી કયાં કારણોસર તેમણે ફરિયાદ ના નોંધી સમાધાન થાય ત્યાં સુધી રાહ જાેઈ ? વારંવાર વિવાદમાં સપડાતા પીઆઈ કે.બી.દેસાઈ સામે શું શહેર પોલીસ કમિશ્નર કોઈ પગલા લેશે ? તેવી પણ શહેરીજનોમાં ચર્ચા છે.