ડોદરા, તા. ૧૪

હરણીરોડ પર રહેતા અને સંઘ પરિવાર સાથે આઝાદીના સમયથી ગાઢ રીતે સંકળાયેલા પિતા-પુત્ર પર હુમલો કરનાર ભાજપાના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતને બચાવવા માટે શહેર ભાજપા પ્રમુખ ડો.વિજય શાહે ઈજાગ્રસ્ત પિતા-પુત્રની સામે પાર્થને માત્ર ઠપકો આપવાની નૈાટંકી કરી સમગ્ર મામલો રફેદફે કરી દેવાનો પ્રયાસ કર્યો છે. શિસ્તબધ્ધ મનાતી પાર્ટીમાં યુવા મોરચાના પ્રમુખ જેવા મહત્વનો હોદ્દો ધરાવતા પાર્થ પુરોહિતે શિસ્તના લીરેલીરે ઉડાવતા પાર્ટીની આબરુ ખરડાઈ છે છતાં તેને તાત્કાલીક અસરથી મહત્વના હોદ્દા પરથી દુર કરવાના બદલે માત્ર ઠપકો આપવાની નૈાટંકી કરતા ડો.વિજય શાહની બેવડી નિતી સામે ભાજપાના અગ્રણીઓ અને કાર્યકરોમાં રોષ ફેલાયો છે અને એક જુથે પાર્થને તાત્કાલિક યુવા મોરચાના પ્રમુખ પદેથી હકાલપટ્ટી કરવા માટે ઉચ્ચકક્ષાએ પણ રજુઆત કરવાની તજવીજ શરૂ કરી છે.

હરણીરોડ પર લજપતનગરમાં રહેતા તેમજ આઝાદીના સમયથી સંઘ પરિવાર સાથે જાેડાયેલા પરિવારના રાજુભાઈ લાલચંદાણી અને તેમના પુત્ર અનિલ સાથે ભાજપા યુવા મોરચાનો પ્રમુખ પાર્થ પુરોહિતે સત્તાના નશામાં ચુર બનીને રોડ પર ઉભા રહેવાની નજીવી બાબતે ઝઘડો કર્યો હતો તેમજ પોતાના ટપોરીઓ સાથે મળીને પિતા-પુત્રને માર માર્યો હતો. આ બનાવની રાજુભાઈએ કારેલીબાગ પોલીસ મથકમાં પાર્થ સામે ફરિયાદ નોંધાવવા અરજી કરી હતી પરંતું શહેર ભાજપા પ્રમુખ ડો.વિજય શાહ તેમજ મહામંત્રી સુનિલ સોલંકીએ આ મામલે દરમિયાનગીરી કરી હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર દબાણ કરી આ મામલે ફરિયાદ દાખલ થવા દીધી નહોંતી. એટલું જ નહી ડો.વિજય શાહે ઈજાગ્રસ્ત પિતા-પુત્રની હાજરીમાં પાર્થને ઠપકો આપવાની નૈાટંકી કર્યા બાદ લાલચંદાણી પરિવારને આડકતરી રીતે દબાણ કરી આ કેસમાં સમાધાન કરાવ્યું છે જેથી રાજુભાઈએ તેમની ફરિયાદ માટેની અરજી પણ પરત ખેંચી લીધી છે.

ડો.વિજય શાહ અને સુનિલ સોલંકીએ જે રીતે સત્તાનો દુરપયોગ કરી સમગ્ર મામલો રફેદફે કરી નાખ્યો છે તેની વિગતો જાહેર થતાં હવે ડો.વિજય શાહ અને સુનિલ સોલંકીની કામગીરી સામે ખુદ ભાજપા અગ્રણીઓ અને કાર્યકરોમાં છુપા રોષ સાથે વિવાદ સર્જાયો છે. શિસ્તબધ્ધ મનાતી તેમજ રાષ્ટ્રીય સેવક સંઘના વિચારધારાને અનુસરતી ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના પ્રમુખ જેવા મહત્વના પદે હોવા છતાં પાર્થ પુરોહિતે જે રીતે જાહેરમાં લુખ્ખા તત્વોની જેમ મારામારી કરી પાર્ટીની શિસ્તના લીરેલીરે ઉડાવ્યા છે તે જાેતા પાર્થને તાત્કાલિક અસરથી મહત્વના હોદ્દા પરથી દુર કરવાની પણ એક જુથ દ્વારા ઉગ્ર માંગ ઉઠી છે. જાે તેમ નહી થાય તો ભાજપાની આબરુ બચાવવા માટે સક્રિય બનેલા એક જુથે સમગ્ર બનાવની હકીકતો અને માધ્યમોમાં આવેલા અહેવાલો ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાની પણ તજવીજ હાથ ધરી છે.