વડોદરા, તા.૧૫

વડોદરા શહેરમાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી અંદાજે ત્રણ કિ.મી. લાંબા અને મોટા બ્રિજનું નવનિર્માણ થઈ રહ્યું છે. આ ઓવરબ્રિજના નિર્માણમાં આવતા અવરોધરૂપ વૃક્ષો અને હિન્દુ દેવી-દેવતાઓના મંદિરોની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ શહેરના મેયરના ઈશારે તોડી પાડી બ્રિજનું કામ કરાવતા ધાર્મિક સંગઠનો અને સામાજિક સંગઠનોની ધાર્મિક લાગણી દુભાતાં મેયરની કામગીરી વિરુદ્ધ ભારે વિરોધવંટોળ ઉઠવા પામ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ તેનો વિરોધ નોંધાવી પુનઃ મંદિરો સ્થાપિત કરવાની કામગીરી કરાતાં જે પોલીસે અટકાવી હતી.જાે કે, જૂના પાદરા રોડ સ્થિત મલ્હાર પોઈન્ટ સર્કલ અને રોકસ્ટાર સર્કલના ટ્રાફિક પર ત્રણ મહિના સુધી અવરજવર માટે પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપતાં વાહનચાલકોમાં પણ છૂપારોષની લાગણી જાેવા મળી હતી. જાે કે, આ ઓવરબ્રિજના નિર્માણકાર્યમાં ચાર વર્ષ જેટલા સમયનો વિલંબ થયો છે જેથી આ રોડ પર રોજબરોજ અવરજવર કરતાં વાહનોને કારણે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાય છે જેમાં વાહનચાલકોમાં રોષની લાગણી વ્યાપી રહી છે.

મંદિરની સાથે લીમડાના મોટા વૃક્ષનું પણ નિકંદન

શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ઓવરબ્રિજના નિર્માણમાં આવતાં ભગવાનના મંદિરો જ નહીં, પરંતુ વર્ષોજૂના મોટા જીવંત વૃક્ષો પણ કાપી નાખવામાં આવતાં તેનો વિરોધ કરવા કોંગ્રેસ યુવા પ્રમુખ કુલદીપ વાઘેલા અને કાર્યકરો દોડી આવ્યા હતા, જ્યાં પોલીસ આવી પહોંચતાં તેમને વિરોધ કરતાં અટકાવ્યા હતા. પોલીસની હાજરીમાં જ લીમડાના મોટા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હતું.

વોર્ડ નં.૧૦ના કાઉન્સિલરનું મંદિરો તોડી પાડવાના મુદ્દે ભેદી મૌન

વડોદરા મહાનગરપાલિકાની સભાઓમાં મંદિરો તોડવા બાબતે હોબાળો મચાવનાર ભાજપાના જ કાઉન્સિલર નીતિન દોંગા તેમના વોર્ડ નં.૧૦ વિસ્તારમાં એકસાથે ત્રણ ત્રણ હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો તોડી પાડવામાં આવ્યા હોવા છતાં તેમના મોંઢે ખંભાતી તાળાં મારી દેવાતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ મામલે કંઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો હતો.

હિન્દુ દેવી-દેવતાઓના મંદિર તોડી પાડવાના વિરોધમાં વિવિધ સંગઠનો દ્વારા કલેકટરને રજૂઆત

વિકાસના બહાના હેઠળ હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો રાત્રિના સમયે જ ચોરીછૂપીથી તોડી પાડવામાં આવતાં અને નડતરરૂપ ના હોય એવી જગ્યાએ મંદિર બનાવી આપવા માટે આવતીકાલે એટલે કે સોમવારે બપોરના ૪.૧પ કલાકે વડોદરા શહેરના તમામ હિન્દુ સંગઠનો, રાજકીટ પાર્ટીઓ, ટીમ રિવોલ્યુશન, સાધુ-સંતો, મંદિરોના પુજાઓ સહિત મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવા અને હિન્દુ વિરોધી તેમજ હિન્દુ મંદિરો પર સર્જિકલ સ્ટ્રાઈક કરતા કોર્પોરેશનના અધિકારીઓ તેમજ મેયર વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવા અને મંદિર પરત ત્યાં બનાવી આપવા રજૂઆત કરવામાં આવનાર હોવાનું ટીમ રિવોલ્યુશનના અગ્રણી સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું.