વડોદરા, તા.૯

રાત્રિના ૧૦ થી સવારના ૬ સુધી કરફયૂ દરમિયાન યોગ્ય કારણ વગર બહાર લટાર મારવા નીકળનારાઓને ઝડપી પાડવા માટે શહેર પોલીસે ખાસ આયોજન કર્યું છે. પોલીસ માર્ગ ઉપર હાજર નહીં હોય તો પણ માર્ગો ઉપર લગાવેલા સીસીટીવીના કેમેરામાં તમારા વાહનનો નંબર જાેઈ વાહનમાલિકો સામે ગુનો નોંધાઈ જશે. શહેરમાં કોરોના અને ઓમિક્રોનના કેસો ઝડપભેર વધી રહ્યા છે એની સામે તંત્ર પણ એકશનમાં આવ્યું છે. પાલિકા અને પોલીસતંત્રે માસ્ક નહીં પહેરનાર સામે સંયુક્ત રીતે પગલાં લેવાનું શરૂ કર્યું છે ત્યારે રાત્રિ કરફયૂના અમલ દરમિયાન શહેરમાં પ્રવેશતાં વાહનોના નંબરો સીસીટીવીમાં ઝડપી લઈ એના માલિકો સામે કરફયૂ ભંગનો ગુનો નોંધવાની સૂચના પોલીસ કમિશનરે આપતાં આવી ફરિયાદો નોંધવાની શરૂઆત થઈ છે.

રાજ્યમાં કોવિડ-૧૯ના સંક્રમણની બાબતે રાજ્ય સરકારના ગૃહ વિભાગ તરફથી કેટલાક નિયંત્રણો અમલમાં મૂકવામાં આવ્યાં છે. ત્યારે કોઈ વાજબી કારણ વગર રાત્રિના કરફયૂ દરમિયાન શહેરમાં પ્રવેશતા માર્ગો ઉપરની ચેકપોસ્ટો ઉપરથી પસાર થતાં વાહનોના નંબરો સીસીટીવી કેમેરામાં જાેઈ કરફયૂ ભંગનો ગુનો નોંધવા માટે શહેર પોલીસ કમિશનર સમશેર સિંગે સૂચના આપ્યા બાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનરે આ અંગે હુકમ કરી દરેક પોલીસ મથકને ઈ-મેલ કર્યો છે.

આ અંગે પોલીસ કમિશનર કચેરી દ્વારા ક્રમાંક જી/સીપી/વિશા/૧૦૦/ર૦રર તા.૭-૧-૨૨ના રોજ સુધારા જાહેરનામું બહાર પડાયું છે. એ અંતર્ગત સાયબર ક્રાઈમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર કચેરીના ક્રમાંક જાવક નંબર ૧૬/રર તા.૮-૧-૨૨ના રોજ હુકમની સાથે વાહનોના નંબરનું પત્રક મોકલાયું છે. આ પત્રકમાં ઈકો ગાડી નંબર જીજે ૦૬ એવાય ૭૯૯૦ તા.૮-૧-૨૨ના કલાક ૪.પ૮ વાગે ઈકો ફોર વ્હીલર ગાડી કરફયૂના સમયે આજવા ચેકપોસ્ટથી પસાર થઈ હતી. આ ઈકો કારના માલિકનું નામ અશોક અંબાલાલ ભાલિયા રહે. વુડાના હાઉસિંગ મકાન, કિશનવાડી હોવાનું બહાર આવતાં બાપોદ પોલીસે એના નિવાસસ્થાને જઈ પૂછપરછ કરતાં અશોકભાઈ યોગ્ય કારણ નહીં જણાવી શકતાં એમની સામે કરફયૂ ભંગની કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં

આવી છે.