23, નવેમ્બર 2020
297 |
મુંબઇ
બોલિવૂડ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા દંપત્તિ ભારતી સિંહ અને તેના હર્ષ લિંબાચિયાને મુંબઈ કોર્ટે ઝટકો આપ્યો છે. મુંબઈની કિલા કોર્ટે બંનેને 14 દિવસની ન્યાયિક અટકાયતમાં મોકલી દીધા છે. હાલ ભારતીને કલ્યાણ જેલમાં અને હર્ષને તલોજા જેલમાં રખાયો છે. આ આદેશ આવતા જ દંપત્તિએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી છે, જે મુદ્દે સોમવારે સુનાવણી થશે. હર્ષની રવિવારે સવારે પૂછપરછ કરાઈ હતી. બાદમાં બપોરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગાંજો રાખવાના કેસમાં દંપત્તિને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સની કોર્ટમાં હાજર કર્યા હતા.
86.5 ગ્રામ ગાંજો રાખવાના આરોપમાં પકડવામાં આવેલી કોમેડિયન ભારતી સિંહ બાદ હવે તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ NCB દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. બંનેને થોડાં કલાકોમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં રજૂ કરતા પહેલાં મેડિકલ ચેકઅપ માટે સાયન હોસ્પિટલ લઇ ગયા હતા. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ભારતીની 3.5 કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. તો તેના પતિ હર્ષ લિંબાચિયાની છેલ્લાં 16 કલાકથી પૂછપરછ ચાલી રહી હતી. NDPS એક્ટની કલમ 1986 મુજબ ધરપકડ કરવામાં આવેલી ભારતીને NCBના મહિલા સેલમાં આખી રાત રાખવામાં આવી. આ બંને ઉપરાંત ભારતીના હોમ સ્ટાફની પણ NCBએ પૂછપરછ કરી.
ગાંજો 1000 ગ્રામ સુધી હોય તો ઓછી માત્રા મનાય છે. આ ગુના બદલ છ મહિનાની જેલ અથવા રૂ. 10 હજારનો દંડ અથવા બંને થઈ શકે છે. કોઈ વ્યક્તિ પાસેથી 20 કિલો કે તેનાથી વધુ ગાંજો મળે તો 20 વર્ષ સુધી જેલ થઈ શકે છે. તેનાથી ઓછો, પણ લઘુતમ માત્રાથી વધુ ગાંજો રાખવા બદલ 10 વર્ષની જેલ થઈ શકે છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એટલે કે NCBએ જાણીતી કોમેડિયન ભારતી સિંહની ડ્રગ્સ રાખવા અને તેનું સેવન કરવાના આરોપસર ધરપકડ કરી છે. NCB સાથેની પૂછપરછમાં ભારતી સિંહે તેના પતિ હર્ષ સાથે ગાંજાનું સેવન કરવાની વાત કબૂલી હતી.
શનિવારે સવારે આ દંપતીનાં મુંબઈ સ્થિત ઘરે દરોડા પાડ્યા હતા. મળેલી માહિતી પ્રમાણે ભારતી અને હર્ષ લિંબાચિયાના ઘર અને ઑફિસેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આથી NCBએ વધુ પૂછપરછ માટે બંનેની અટકાયત કરી હતી. ન્યૂઝ એજન્સી ANIના સમાચાર પ્રમાણે, NCBએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એક ડ્રગ પેડલર સાથેની પૂછપરછ દરમિયાન આ બંનેનાં નામ સામે આવ્યાં હતાં. ત્યાર બાદ અંધેરી, લોખંડવાલા અને વર્સોવાસ્થિત ઘરમાં રેડ પાડવામાં આવી હતી. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, હર્ષ અને ભારતીને અમે કસ્ટડીમાં પૂછપરછ માટે લીધાં છે. બંનેને ઝોનલ ઓફિસમાં આવીને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.