મુંબઇ 

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને ડ્રગ્સ કેસમાં 4 નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ બંનેની ધરપકડ કરી લીધી હતી. ભારતીને કલ્યાણ જેલમાં અને હર્ષને તલોજા જેલમાં રખાયો છે. હવે રિપોર્ટ્સ અનુસાર ટૂંક સમયમાં ભારતીના પર્સનલ સ્ટાફને તપાસ એજન્સી સમન્સ પાઠવશે.

NCBએ ભારતીની જ્યુડિશિયલ કસ્ટડી અને હર્ષની રિમાન્ડ માગી હતી પણ કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. હર્ષ અને ભારતીએ જામીન માટે અરજી કરી છે જેની આજે કોર્ટમાં સુનાવણી થશે.

NCBએ 18 કલાક પૂછપરછ કર્યા બાદ રવિવાર સવારે હર્ષને અરેસ્ટ કર્યો હતો. તેના પર નાર્કોટિક્સ એક્ટ- 1986ની કલમ 27A લગાવવામાં આવી છે. એટલે કે ડ્રગ્સના ફાઇનાન્સ અને ટ્રાન્સપોર્ટેશનની કલમ લગાવવામાં આવી છે. આ પહેલાં ભારતીની શનિવારે 3.5 કલાક પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ તેને અરેસ્ટ કરાઈ હતી. ભારતીએ રાત NCB વુમન સેલમાં પસાર કરી હતી. શનિવારે NCBની રેડમાં ભારતીના ઘર અને ઓફિસમાં 86.5 ગ્રામ ગાંજો મળ્યો હતો. તેણે પતિ હર્ષ સાથે ગાંજો લેવાની વાત સ્વીકારી હતી.

ભારતીની આવકની વાત કરીએ તો તે ટીવીની સૌથી વધુ કમાણી કરનારી કોમેડિયન છે. તે દરેક એપિસોડ માટે 5-6 લાખ રૂપિયા ફી લે છે. ડ્રગ્સ કેસમાં નામ સામે આવ્યા પહેલાં તે 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' શો પતિ હર્ષ સાથે હોસ્ટ કરી રહી હતી. તે 'ધ કપિલ શર્મા' શોમાં પણ સામેલ છે. 2018ના ફોર્બ્સ ઇન્ડિયા લિસ્ટમાં તે 74માં રેન્ક પર હતી અને તેની વાર્ષિક કમાણી 13 કરોડ રૂપિયા હતી. સમાચાર મુજબ તો હવે તેની વાર્ષિક આવક વધીને 22 કરોડ રૂપિયા થઇ ગઈ છે.