લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2026 |
3366
સુરત, સાયબર ફ્રોડનાં નાણાં સગેવગે કરવા માટે ભાડે રાખેલા બેંક એકાઉન્ટ્સ પૂરા પાડતી એક ગેંગને અલથાણ પોલીસે ઝડપી પાડી છે. આ નેટવર્ક સુરતથી શરૂ થઈ રાજસ્થાનનાં અજમેર અને સરહદ પાર દુબઈ સુધી ફેલાયેલું હતું. આ કેસમાં કાપડ વેપારી, રત્નકલાકાર, ક્યું આર કોડ એક્સપર્ટ શામેલ છે. આ ટોળકી સુરતના નિર્દોષ લોકોને લાલચ આપી તેમના દસ્તાવેજાે પર એકાઉન્ટ ખોલાવતી અને તેની કીટ દુબઈમાં બેઠેલા સાયબર માફિયાઓને ઓપરેટ કરવા મોકલી આપતી હતી. અલથાણ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ઇન્સ્પેક્ટર ડી.ડી ચૌહાણની સૂચનાથી સાયબર ફ્રોડ કરનારાઓ અંગે તપાસ કરી રહેલી સર્વેલન્સ સ્ટાફે ભાવિક ઉર્ફે પ્રિન્સ શ્રીવાસ્તવને ઝડપી પાડ્યો હતો. ઇંડાની લારી ચલાવનારા આશિષ બંસલના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી તેણી લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતાં. આ કેસમાં પોલીસે ભાવિકના રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી. ક્યૂઆર કોડ બનાવવામાં એકસપર્ટ ભાવિક ઉર્ફે પ્રિન્સ પ્રદીપ શ્રીવાસ્તવ (રહે, નીલકંઠ સોસાયટી ગજેરા સ્કુલની બાજુમા કતારગામ) સાથે આ રેકેટમાં સંડોવાયેલા રત્ન કલાકાર રવિભાઇ દામજીભાઇ ગાબાણી (રહે, આઇ શ્રી ખોડીયાર ક્રુપા સોસાયટી સીંગણપોર રોડ સુરત), કાપડનો ધંધો કરતાં તરૂણ કાળુભાઇ રાઠોડ (રહે, પ્રભુનગર સીંગણપોર રોડ), સુરેંદ્ર ઉર્ફે બાલકીશન ઓમપ્રકાશ ગૌડ (રહે, અરાવલી હોમ્સ, જનાના હોસ્પીટલ, પાર અજમેર રાજસ્થાન) અને ગોવિંદ ઓમનાથ સીધ્ધ (રહે, અરાવલી હોમ્સ, જનાના હોસ્પીટલ પાસે અજમેર)ની પણ ધરપકડ કરાઇ હતી. તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે, ભાવિક ઉર્ફે પ્રિન્સ શ્રીવાસ્તવ સુરતના કતારગામનો રહેવાસી અને ક્યુઆર કોડ બનાવવાનું કામ કરતો હતો. તે કુરિયર દ્વારા ડેટા અજમેર મોકલવાનું કામ કરતો હતો. રવિ ગાબાણી ૧૦ જેટલા એકાઉન્ટ કીટ મેનેજ કરી ભાવિકને આપતો હતો. તરુણ રાઠોડ પણ બેંક એકાઉન્ટ્સની ગોઠવણમાં રવિ સાથે સામેલ હતો. સુરેન્દ્ર ઉર્ફે બાલકિશન અજમેરમાં રહીને પાર્સલ રિસીવ કરતો ગોવિંદ ઓમનાથ સિદ્ધ અજમેરમાં ભાડાના મકાનમાં રહીને સાયબર ફ્રોડનાં સાધનો સાચવતો હતો. પોલીસે અજમેરનાં ભાડાનાં મકાનમાંથી ૨૧ મોબાઈલ ફોન, ૩૩ સીમકાર્ડ, જુદી જુદી બેન્કોના ૮૮ એટીએમ કાર્ડ, ઉપરાંત ૩૬ બેંક પાસબુક ૩૬ નંગ અને પાંચ ચેકબુક કબજે લીધી હતી. પોલીસે જ્યારે પકડાયેલા આરોપીઓના બેન્ક સ્ટેટમેન્ટ્સની તપાસ કરી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. અત્યાર સુધીમાં માત્ર ૩૫ બેંક એકાઉન્ટ્સના સ્ટેટમેન્ટ ચેક કરવામાં આવ્યા છે, જેમાં કુલ ૧૧ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. પોલીસને આશંકા છે કે ગઠિયાઓનાંહજુ પણ સેંકડો એકાઉન્ટ્સ આવા હોઈ શકે છે અને ફ્રોડનો આ આંકડો આવનારા દિવસોમાં ઘણો વધી શકે છે.
‘સાયકોલોજી ઓફ મની‘ અને ‘રામાયણ‘ પુસ્તકમાં એટીએમ કાર્ડ સંતાડ્યા હતાં
અજમેરમાં પાડવામાં આવેલા દરોડામાં પોલીસને બે પુસ્તકો મળી આવ્યા છે, જેમાં એક અંગ્રેજીમાં ‘સાયકોલોજી ઓફ મની’ અને બીજું ગુજરાતીમાં ‘રામાયણમાં સંસ્કૃતિનો સંદેશ’ છે. આ આરોપીઓ આ બંને પુસ્તકોનો ઉપયોગ જ્ઞાન મેળવવા નહીં, પરંતુ ગુનાઈત પુરાવા સાચવવા કરતા હતા. જે એટીએમ કાર્ડનો વપરાશ થઈ ગયો હોય અથવા બ્લોક થઈ ગયા હોય, તેને આ પુસ્તકોની અંદર ચોંટાડીને રાખતા હતા, જેથી તેમને ખ્યાલ રહે કે હવે આ કાર્ડ કામના નથી. ધાર્મિક અને આર્થિક જ્ઞાન આપતા પુસ્તકોનો આવો દુરુપયોગ જાેઈ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. આ ટોળકીએ ગરીબ ગરજાઉ લોકોને ભોળવી તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલવતી અને સાયબર માફિયાઓને વાપરવા આપી દેતી હતી.
પોલીસે પ્રિન્સ પાસેથી મેળવેલા સરનામે ‘ડમી પાર્સલ‘ મોકલ્યા બાદ દરોડો પાડ્યો
પ્રિન્સ ઉર્ફે ભાવિક શ્રીવાસ્તવની પૂછપરછ દરમિયાન તેની ટોળકી સાયબર ફ્રોડનું મોટુ રેકેટ ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું. જાે કે, આ રેકેટનું એપી સેન્ટર અજમેરમાં મળ્યું હતું. જ્યાં રહેતા સુરેન્દ્ર અને ગોવિંદ કાળો કરોબાર સંભાળતાં હતાં. આ બંનેને પકડવા માટે એક ખાસ પ્લાન બનાવ્યો હતો. ભાવિક પાસેથી મળેલી માહિતી ના આધારે પોલીસે એક ‘ડમી પાર્સલ‘ તૈયાર કર્યું અને તેને અજમેરના એડ્રેસ પર કુરિયર કર્યું. જ્યારે અજમેરમાં સુરેન્દ્ર ઉર્ફે બાલકિશન આ પાર્સલ લેવા આવ્યો, ત્યારે પહેલેથી જ ગોઠવાયેલી સુરત પોલીસની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેના ભાડે રાખેલાં મકાન પર દરોડા પાડતા અન્ય એક સાગરિત ગોવિંદ પણ પકડાઈ ગયો હતો.