વલસાડ, તા. ૧૮ 

કોરોનાએ બધાને ભારે મુશ્કેલીમાં મૂકી રહી છે, પણ ખાનગી હોસ્પિટલમાં જાવ તો પહેલા કોરાના ટેસ્ટ કરાવવા જ કહે છે જેમાં દર્દીની હાલત વધુ ગંભીર બની મોતને ભેટે છે. ખેરગામના સુપ્રસિદ્‌ધ કર્મકાંડી કાળીદાસ વેણીશંકર જાનીનું નિધન થતાં પંથકમાં તેમના ચાહકો યજમાનોમાં દુઃખની લાગણી પ્રસરી છે.

  ૨૫ વર્ષથી પત્ની વિયોગ સહન કરતા કાળુભાઈને મેહુલકુમાર યુવા કથાકાર નામે સંતાન છે જે પણ સાતેક દિવસથી ન્યુમોનિયા ની સારવાર માટે નવસારી ખાતે દાખલ થયેલા છે. કાળુભાઈને શુક્રવારની મળસ્કે હળવો હૃદયરોગનો હુમલો થતાં તેમને સારવાર માટે સવારે વલસાડની અમિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં બે ત્રણ કલાક સારવાર આપ્યા બાદ કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે રજા આપી દઈ સિવિલ હોસ્પીટલમાં મોકલ્યા હતા જ્યાં કલાકેક સુધી ઓક્સિજન વગર બહાર રાહ જોતા રહ્યા ધારાસભ્ય ભરતભાઈ પટેલની દરમિયાનગીરીથી એમનો ટેસ્ટ કરી દાખલ કરવામાં આવ્યા અને મધરાતે દોઢ વાગે તેમને બીજો ગંભીર હુમલો આવતા આ ફાની દુનિયા છોડી ગયા. કોરોનાના ટેસ્ટ માટે નીતિ નિયમોના કારણે માત્ર સેમ્પલ મોકલી ને પણ હૃદયરોગની સારવાર કરવામાં આવી હોત તો બચી જાત એવું કુટુંબીઓ માને છે. કોરોનાનો રિપોર્ટ સાંજે ૪ઃ૦૦ વાગે શનિવારે નેગેટિવ આવ્યો પણ હવે તેનો અર્થ શું? મૃતદેહ કુટુંબીજનોને સોંપવા માટે પણ નીતિનિયમોએ ભારે વિલંબ કર્યો જિલ્લા સમાહર્તા રાવલ સાહેબની દરમિયાનગીરી કરાવવી પડી. પરિણામે સાંજે છની આસપાસ મૃતદેહ મળતા વલસાડની હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે મર્યાદિત સંખ્યામાં ભેગા થઈ પૌત્ર માનવના હસ્તે મુખાગ્નિ આપવામાં આવી કેમકે બિમાર મેહુલ- સુપુત્રને જો જાણ કરવામાં આવે તો તેમને સાચવવા પણ અઘરા પડે જેથી તેમને જણાવાયું નથી.