માનસિક ડિપ્રેશનમાં તરસાલી-સુશેન રોડ પર ડમ્પર સામે પડતું મૂકી મોતને વહાલું કર્યું ઃ મૃતક બિહારનો
13, એપ્રીલ 2023

વડોદરા, તા.૧૨

લોકોમાં ઘટતી સહનશક્તિ, અસહ્ય મોંઘવારી, મહાત્ત્વાકાંક્ષામાં પીસાતા લોકો માનસિક ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે, જેનો તાદૃશ કરતો બનાવ આજે બપોરના સમયે સુશેન-તરસાલી રોડ પર બનવા પામ્યો હતો. ઘરથી તરછોડાયેલ ભૂખ-તરસ વેઠી જીવન ગુજારતા આધેડ શખ્સે માનસિક ડિપ્રેશનમાં આવી જઈને રોડ પર પૂરઝડપે જઈ રહેલા ડમ્પર સામે પડતું મૂકી મોતને વહાલું કર્યું હતું. આ બનાવની જાણ પોલીસને કરાતાં પોલીસે તપાસ કરતાં મૃતકનું નામ કાલિયો હોવાનું અને તે મૂળ બિહારનો હોવાનું જાણવા મળ્યું છે. જાે કે, આ બનાવને પગલે ડમ્પરચાલકે પોતાનું ડમ્પર ઊભું રાખી અજાણ્યા શખ્સની વહારે આવ્યો હતો. આ બનાવ સંદર્ભે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસની તપાસમાં સીસીટીવીના ફુટેજ સામે આવતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ ચકચારી બનાવની પ્રાપ્ત વિગત મુજબ વડોદરા શહેરના મકરપુરા સુશેન-તરસાલીને જાેડતા માર્ગ પર આજે બપોરના સમયે એક વિચિત્ર પ્રકારનો બનાવ બનતાં નજરે જાેનાર લોકો પણ અચંબામાં પડી ગયા હતા અને ઘૃણાસ્પદની સાથે આપઘાત કરનાર શખ્સ સામે ફિટકારની લાગણી વરસાવી હતી. તરસાલી-સુશેન રોડ પર ગુરુદ્વારા પાસે મૂળ બિહારનો વતની કાલિયો નામનો આધેડ છેલ્લાં આઠેક વર્ષથી એકલવાયું જીવન ગુજારી રહ્યા હતા. તે ભીખ માગી પોતાનું ભરણપોષણ કરતા હતા. ભિખારી જેવી જિંદગી જીવતા આધેડ માનસિક ડિપ્રેશનમાં આવી ગયા હતા. ગુરુદ્વારા ખાતે આવતા લોકો અને સ્થાનિકોને મોત આવે તો સારું તેવું રટણ કરતા હતા. તેને અગાઉ પણ મોતને ભેટવાનો પ્રયાસ કર્યો હતો, જે તે વખતે માંગ્યું મોત મળ્યું ન હતું.

આજે તેને બીજીવાર પ્રયાસ કરી સુશેન સર્કલથી તરસાલી તરફ પૂરઝડપે જઈ રહેલ ડમ્પર સામે પોતાની જાતે જ પડતું મૂકી મોતને વહાલું કર્યું હતું. બનાવસ્થળે હાજર કેટલાક લોકો અચંબામાં પડી ગયા હતા. આ બનાવને પગલે રાહદારીઓ દોડી આવ્યા હતા અને ક્ષણવારમાં લોકોના ટોળાં એકત્રિત થઈ જતાં ટ્રાફિક પણ ખોરવાયો હતો. બનાવને પગલે ડમ્પરચાલકે પોતાનું ડમ્પર ઊભું રાખી અજાણ્યા શખ્સની વહારે આવ્યો હતો. આ બનાવની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવતાં મહિલા પીએસઆઈ એન.વી.નાઈ ટીમ સાથે બનાવસ્થળે આવી પહોંચ્યાં હતાં અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution