ઘરમાં નાના મોટા સૌને બિસ્કીટ ખૂબ જ ભાવતા હોય છે. પણ બજારમાંથી લાવવામાં આવતા બિસ્કીટમાં મેદો અને શુગરનું પ્રમાણ વધુ હોવાથી તે સ્વાસ્થ્યને નુકસાન તો પહોંચાડે જ છે સાથે જ ખિસ્સા પર પણ ભારે પડે છે. જેથી આજે અમે તમને ઘરે જ એકદમ સરળતાથી બનાવી શકાય એવા ઘઉંના લોટના સુપર ટેસ્ટી અને હેલ્ધી બિસ્કીટ બનાવવાની રેસિપી જણાવવાના છીએ. એકવાર જો તમે આ રીતે ઘરે બિસ્કીટ બનાવશો તો વારંવાર ઘરે જ બિસ્કીટ બનાવવાનું મન થશે. તમે બાળકોને નાસ્તામાં અથવા ચા સાથે પણ આ બિસ્કીટની મજા માણી શકો છો. ચાલો જાણી લો તેની સરળ રેસિપી.

સામગ્રી:

1 કપ ઘઉંનો લોટ,અડધો કપ ઈન્સ્ટન્ટ ઓટ્સ,20-25 બદામ (ગ્રાઈન્ડ કરેલી),10 અખરોટ (ગ્રાઈન્ડ કરેલા),અડધો કપ ગોળનો પાઉડર,1/3 કપ ઘી અથવા બટર ,અડધી ચમચી ખાવાનો સોડા,દૂધ જરૂર મુજબ.

રીત:

સૌથી પહેલાં એક બાઉલમાં ઘઉંનો લોટ, ઈન્સ્ટન્ટ ઓટ્સ, બદામ, અખરોટ, સોડા, ગોળનો પાઉડર (ગોળ ન હોય તો ખાંડનો પાઉડર પણ લઈ શકાય), ઘી અથવા મેલ્ટેડ બટર, ખાવાનો સોડા લઈ બધું બરાબર મિક્સ કરી લેવું. પછી તેમાં ગરમ કરીને રૂમ ટેમ્પ્રેચર પર ઠંડુ કરેલું દૂધ થોડું થોડું નાખી મિક્સ કરી સ્મૂધ લોટ બાંધવો. લોટમાં લમ્પ્સ ન રહેવા જોઈએ. લોટ બહુ કડક કે લૂઝ ન રાખવું. પછી લોટને ગોળાકારમાં રોલ બનાવી, તેને ચક્કુથી કાપીને હાથથી દબાવી કૂકીઝનો શેપ આપી દો. પછી ઈડલીના કૂકરની પ્લેટમાં કૂકીઝ મૂકી દો. જો ઈડલીનું કૂકર ન હોય તો કોઈ નાની પ્લેટમાં પ્લેટમાં કૂકીઝ મૂકી દો. પછી કૂકરમાં 2 ઈંચ જેટલું મીઠું સમાય એટલું મીઠું નાખી 15 મિનિટ કૂકરનું ઢાંકણું બંધ કરી ગરમ કરી લો. પછી તેમાં કૂકીઝની પ્લેટ અથવા ઈડલી સ્ટેન્ડમાં મૂકેલી કૂકીઝને કૂકરમાં મૂકી સીટી કાઢી કૂકર ઢાંકી દો. હવે મીડિય આંચ પર 35થી 40 મિનિટ સુધી કૂકીઝ થવા દો. તમે વચ્ચે ચેક પણ કરી શકો છો અને ફ્લિપ પણ કરી શકો છો. ઓવનમાં બનાવવા માટે 170 ડિગ્રી પર 20 મિનિટ બેક કરી શકો છો. તૈયાર છે હોમમેડ બેસ્ટ કૂકીઝ.