અમદાવાદ, 

સાંડેસરા કૌભાંડ મામલે પુછપરછ કરવા માટે ઈડીની ટીમ આજે કોંગ્રેસી નેતા અહેમદ પટેલના ઘરે પહોંચી છે. ઈડીએ અહમદ પટેલને ચેતન સાંડેસરા અંગે સવાલો કર્યા હતા જે તેમના દીકરા ફૈઝલ પટેલ અને જમાઈ ઈરફાન સિદ્દિકીના અંગત ગણાય છે. પુછપરછના પહેલા દિવસે અહેમદ પટેલ ઈડી સામે રજૂ થયા હતા. જો કે, આ ઉપસ્થિતિ તેમના ઘરે જ થઈ હતી. 

મળતી માહિતી મુજબ ઈડીના અધિકારીઓ અહેમદ પટેલના જવાબોથી સંતુષ્ટ નથી દેખાયા. ત્યારે હવે ઈડીના અધિકારીઓ સાંડેસરા કેસના પુરાવા અને કેટલાક શકમંદોના નિવેદનને આધારે અહેમદ પટેલની પુછપરછ કરશે. જાણવા મળ્યા મુજબ સાંડેસરા કૌભાંડ એ પીએનબી કૌભાંડ કરતા પણ મોટું છે. સ્ટર્લિંગ બાયોટેક કંપની લિમિટેડ અને સાંડેસરા ગ્રુપના ત્રણેય પ્રમોટર્સ નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દીપ્તિ સાંડેસરાએ સૌથી પહેલા બોગસ કંપની બનાવી અને પછી અનેક બેંકોને આશરે ૧૪,૫૦૦ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો. સાંડેસરા કૌભાંડ મામલે અહેમદ પટેલના ઘરે જ તેમની પુછપરછ થઈ રહી છે. હકીકતે અહેમદ પટેલે કહ્યું હતું કે, મારી ઉંમર ૬૦ને પાર થઈ છે. આમ કહીને તેમણે પુછપરછ માટે ઈડીના કાર્યાલય જવામાં અસમર્થતા દર્શાવી હતી જેથી ઈડીએ તેમના બારણે પહોંચવું પડ્યું છે. 

અગાઉ આવકવેરા વિભાગે અહેમદ પટેલને ૪૦૦ કરોડ રૂપિયાના હવાલા ટ્રાન્ઝેક્શન મામલે સમન પાઠવ્યા હતા. હવાલાની ૪૦૦ કરોડથી પણ વધારેની રકમ કોંગ્રેસના ખાતાઓમાં આવી હોવાનો અહેમદ પટેલ પર આરોપ છે. હાલ આવકવેરા વિભાગના અધિકારીઓ આ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે.