અમદાવાદ-

ખાદ્યતેલોમાં ભાવ વધારાનો દોર જારી જ રહ્યો હોય તેમ આજે સીંગતેલ પામોલીન-રાયડાતેલ જેવા તેલ વધુ મોંઘા થયા હતા.પામોલીનનો ડબ્બો રૂા.20 નો ઉછાળો સુચવતા હતા.તેલબજારમાં કેટલાંક વખતથી વન-વે તેજીનો દોર છે. સટ્ટો ગુંથાયો હોવાથી વાયદામાં ભાવો સતત ઉછળતા રહ્યા છે. સાથોસાથ વિશ્વ બજાર ટાઈટ છે. ઘર આંગણે આવકો ઓછી થવા સાથે સપ્લાય ધીમી પડી ગઈ છે તેવા સમયે કોરોના નિયંત્રણો વધતા લોકોમાં લોકડાઉનનો ભય પેસવા લાગ્યો છે. પરીણામે રીટેઈલ ખરીદી વધતા તેજી માટેનું નવુ કારણ ઉભુ થયુ છે.

વેપારીઓના કહેવા પ્રમાણે રાજકોટમાં આજે દસ કિલો સીંગતેલ લુઝ વધીને 1390 થયુ હતું. ટેકસપેઈડ ડબ્બાનાં 2620 થયા હતા. પામોલીનમાં ડબ્બે 20 વધી ગયા હતા. ડબ્બાનો ભાવ 2040 થી 2045 થયો હતો.રાયડા તેલ પણ ઉત્પાદક મથકોનાં સુધારાની અસરે વધીને ડબ્બે 2040 થી 2060 થયુ હતું.સુત્રોના કહેવા પ્રમાણે ખાદ્યતેલોની એકધારી તેજીથી ફરસાણમાં ભાવ વધારો થયો જ છે. તેલ વધુ મોંઘુ થવાના સંજોગોમાં ફરસાણ વધુ મોંઘુ થઈ શકે છે.