દિલ્હી-

ભારતમાં છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. તેની સાથે જ ખાદ્યતેલના ભાવમાં છેલ્લા 11 વર્ષની તુલનામાં સૌથી વધારે ઉછાળો થયો છે. એક રિપોર્ટના અનુસાર, સરસવના તેલના ભાવામાં લગભગ 44 ટકાનો વધારો થવાની સાથે 28મેના રોજ રિટેલ માર્કેટમાં તેની કિંમત પ્રતિ લિટર 171 રૂપિયા નોંધાઇ હતી. ગત વર્ષે 28મેના રોજ એક લિટર સરસવ તેલની કિંમત 118 રૂપિયા હતી. તેમજ સૂર્યમુખી તેલની કિંમતમાં પણ 50 ટકાથી વધુનો વધારો થયો છે. ભારતમાં સામાન્ય રીતે 6 ખાદ્યતેલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં સરસવનું તેલ, મગફળીનું તેલ, વનસ્પતિ તેલ, રિફાઈન્ડ તેલ, સૂર્યમુખી તેલ (સનફ્લાવર ઓઈલ) અને પામ ઓઈલ સામેલ છે. ગ્રાહક બાબતોના વિભાગની વેબસાઇટના અનુસાર, છેલ્લા એક વર્ષમાં આ તેલના ભાવમાં 20થી 56 ટકાનો વધારો થયો છે. દેશની એક મોટી વસ્તી પહેલાથી મોંઘવારી, કોરોનાવાઈરસ, અને લોકડાઉનનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં ખાદ્યતેલના ભાવમાં થયેલા વધારાથી સામાન્ય લોકોના બજેટ પર ખરાબ અસર થઈ છે.