વડોદરા, તા.૧૧

વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે વડોદરા નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરની સ્થિતી સર્જાઇ છે. મૂશળધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ડભોઈ અને પાદરા તાલુકામાં અનેક વિસ્તારો પાણીમાં ડુબી ગયા છે.બીજી તરફ સતત ૩ દિવસથી ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ઢાઢર નદી ગાંડીતૂર બનતા કિનારાના ડભોઇ તાલુકાના ૮ જેટલા ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. જાંબુવા નદી ઉપરના પુલ ઉપર પાણી ફરી વળતા સાત ગામોને અસર પહોંચી છે. વડોદરા જિલ્લામાં વરસાદના કારણે બારેમેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. ડભોઇ તાલુકા અને ઉપરવાસમાં વરસાદને પગલે ડભોઇથી પસાર થતી ઢાઢર નદી ગાંડીતૂર બની છે. પુરની પરિસ્થિતિને પગલે ૮ જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે, તો ડભોઇ-વાઘોડિયા રોડ ઉપર ગોઝાલી પાસેના બ્રીજ ઉપરથી પાણી વહી રહ્યા છે. જાે પૂરની સ્થિતિ વધે તો તંત્રને ડભોઇ-વાઘોડીયા રોડ બંધ કરવાની ફરજ પડે તેમ છે. આ ઉપરાંત ડભોઈના દંગીવાડા, બંબોજ, સીમલિયા, ટીંબી, તરસાણા, વસઈ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મહુડી ભાગોળ બહાર વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા છે. ડભોઈ શહેરમાં શિનોર રોડ, મહુડી ગેટ, સરિતા ક્રોસિંગ, ડેપો વિસ્તાર અને ઢાલનગર, બમ્બોજ, ચાંદોદ, સાઠોદ સહિત ગામોમાં વરસાદ ખાબક્યો હતો.