લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, એપ્રીલ 2026 |
2277
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. એક મહિલાએ રસ્તો ભૂલી હોવાનું નાટક કરી વૃદ્ધ દંપતીનો વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવી હતી. આ ઝેરી પદાર્થની અસરને કારણે ૮૧ વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નિપજ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં આરોપી મહિલાની ધરપકડ કરી છે. દરિયાપુરમાં રહેતા અબ્દુલભાઈ સિપાઈ અને તેમના પત્ની ઘરે એકલા હતા, ત્યારે લતા ઉર્ફે ગુલાબ ચૌહાણ નામની મહિલા તેમના ઘરે પહોંચી હતી. મહિલાએ પોતે ખોવાઈ ગઈ હોવાનું કહી દંપતી પાસે મદદ માંગી હતી. દંપતીએ દયા ખાઈને તેને ઘરમાં બેસાડી ત્યારે મહિલાએ લસ્સી પીવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે પોતે બહારથી લસ્સી લાવી હતી, જેમાં અગાઉથી જ નશીલો પદાર્થ ભેળવેલો હતો. લસ્સી પીતા જ દંપતી બેભાન થઈ ગયું હતું, જેનો લાભ ઉઠાવી લતા ₹૪૦,૦૦૦ની લૂંટ કરી ફરાર થઈ ગઈ હતી.નશીલી લસ્સી પીવાને કારણે ૮૧ વર્ષીય અબ્દુલભાઈની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ મામલે દરિયાપુર પોલીસે સઅપરાધ મનુષ્ય વધ અને લૂંટનો ગુનો નોંધી તપાસ તેજ કરી હતી.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી.બી. પટેલની ટીમે બાતમીના આધારે લતા ચૌહાણની ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપી લતા વિરુદ્ધ છેલ્લા ૭ વર્ષમાં જુગાર સહિતના ૯ ગુના નોંધાયેલા છે. તેનો પતિ પણ હત્યાના ગુનામાં જેલમાં છે. આરોપી મહિલા માત્ર ૧૫ દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવી હતી. લતાને જુગાર રમવાની લત છે. જુગારના દેવા ભરવા અને વધુ પૈસા મેળવવા માટે તેણે આ ઘાતકી પ્લાન બનાવ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચે આરોપી મહિલાનો કબજાે દરિયાપુર પોલીસને સોંપ્યો છે.