ચૂટાયેલા કોર્પોરેટરોએ સેક્રેટરી ઓફિસમાં સર્ટિફિકેટ જમા કરાવ્યા, સુવિધાઓ - ભથ્થાની માહિતી મેળવી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, એપ્રીલ 2026  |   2178

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં વિજયી થયા બાદ હવે નવા જનપ્રતિનિધિઓએ શહેરના વિકાસની ધુરા સંભાળવા માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે. આજે વિજેતા ઉમેદવારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સેક્રેટરી ઓફિસમાં પોતપોતાના વિજયી ઉમેદવારીના સર્ટિફિકેટ જમા કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. હવે ટૂંક સમયમાં જ છસ્ઝ્ર તરફથી તમામ ૧૯૨ કાઉન્સિલરોને સત્તાવાર આઈડેન્ટિટી કાર્ડ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. આગામી પાંચ વર્ષની ટર્મ માટે ભાજપના ૧૬૦ અને કોંગ્રેસના ૩૨ કોર્પોરેટરો મળીને કુલ ૧૯૨ સભ્યોની ટીમ શહેરના પ્રશ્નો અને વિકાસ કામો માટે કાર્યરત થશે. મનપાના વહીવટમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે નવા ચૂંટાયેલા કાઉન્સિલરોને કોર્પોરેશન તરફથી અનેક સુવિધાઓ અને ભથ્થાઓ પણ મળવાપાત્ર થશે. જે મુજબ, દરેક કોર્પોરેટરને ટેકનોલોજીથી સજ્જ કરવા માટે એક લેપટોપ અને એક પ્રિન્ટર આપવામાં આવશે. આ ઉપરાંત, મોબાઈલ ઈન્સ્ટ્રૂમેન્ટ પેટે રૂ. ૧૨,૦૦૦ની રકમ, દર મહિને મોબાઈલ બિલનું વળતર, મનપાની વિવિધ કમિટી અને બોર્ડની બેઠકોમાં હાજરી આપવા બદલ નિયત ભથ્થા તેમજ મેડિકલ સારવાર માટે હોસ્પિટલ રીએમ્બર્સમેન્ટની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. આ સુવિધાઓનો મુખ્ય હેતુ કોર્પોરેટરો પોતાના વિસ્તારના પ્રશ્નોનું ડિજિટલ રીતે નિવારણ લાવી શકે અને જનતા સાથે સતત સંપર્કમાં રહી શકે તેવો છે. વહીવટી પ્રક્રિયા મુજબ, ચૂંટણીમાં જીતેલા તમામ ઉમેદવારોના નામનું સત્તાવાર નોટિફિકેશન રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાને મોકલવામાં આવશે. આ ગેઝેટ નોટિફિકેશન મળ્યા બાદ, મનપા કમિશનર દ્વારા પ્રથમ બોર્ડની બેઠક બોલાવવામાં આવશે. આ પ્રથમ બોર્ડની બેઠક અત્યંત મહત્વની રહેશે, કારણ કે તે દિવસે અમદાવાદને તેના નવા મેયર અને ડેપ્યુટી મેયર મળશે. આ ઉપરાંત, આ જ બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યો અને ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આમ, પ્રથમ બોર્ડની બેઠક સાથે જ અમદાવાદના નવા શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો વિધિવત રીતે કાર્યભાર સંભાળશે અને શહેરના વિકાસની નવી સફર શરૂ થશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution