જામનગર-

ગુજરાતમાં હાલ ચૂંટણીની મોસમ જામી છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારો પ્રચાર પ્રસારમાં જાેરશોરથી લાગ્યા છે. આ દરમિયાન જામનગરમાં ભાજપના એક ઉમેદવાર માત્ર ડિજિટલ મીડિયા અને ફોનના માધ્યમથી ઘરે બેઠાં બેઠાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે. તો જાણીએ આ ઉમેદવાર કેવી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઉમેદવારો અને રાજકીય પક્ષો હાલ પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જામનગરના વોર્ડ નંબર વોર્ડ નંબર-૭ના ભાજપના ઉમેદવાર ગોપાલ સોરઠિયા પોતાનો પ્રચાર ઘરેથી જ કરી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂકેલા ગોપાલ સોરઠિયાની તાજેતરમાં ભાજપના શહેર મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જે બાદમાં તેમને અકસ્માત નડ્યો હતો.

અકસ્માતમાં ગોપાલ સોરઠિયાના બંને પગમાં ફ્રેક્ચર થતા તેઓને હૉસ્પિટલમાં સારવાર આપી પગમાં પ્લાસ્ટર સાથે રેસ્ટ કરવા ડૉક્ટરે સલાહ આપી હતી. આ દરમિયાન મહાનગરપાલિકાની ચૂંટણીનું આવતા ભાજપ દ્વારા ગોપાલ સોરઠિયાને વોર્ડ નંબર-૭માંથી ઉમેદવાર જાહેર કરતા તેઓ વ્હિલચેરમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે જિલ્લા પંચાયત પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ માત્રને માત્ર પોતાના ઘરેથી જ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. અકસ્માતમાં બંને પગમાં ફ્રેક્ચર થયા બાદ જામનગરના વોર્ડ નંબર-૭ના ભાજપના ઉમેદવાર ગોપાલ સોરઠિયા લોકો વચ્ચે થઈ શકતા નથી.

તેઓ ડિજિટલ ઇન્ડિયાના નારાને સાર્થક કરતા ફેસબુક, ટિ્‌વટર, વોટ્‌સસએપ, ટેલીગ્રામ જેવા સોશિયલ નેટવર્ક ઉપરાંત ફોન દ્વારા કૉલિંગ અને વીડિયો કૉલિંગથી લોકો સુધી પહોંચી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ગુજરાતમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર થઇ રહ્યો છે, તેવામાં જામનગરના ગોપાલ સોરઠિયા ડિજિટલ પ્રચારથી ચર્ચામાં આવ્યા છે.