ભાવનગર-

પાલિતાણાની નગરપાલિકાની ચૂંટણીમાં 9 વૉર્ડ માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે ચૂંટણી પહેલાં જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા ફોર્મ ભરવાના આખરી દિવસે કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટ લઈ અને કોંગ્રેસ પ્રમુખ કરણસિંહ મોરી નગરપાલિકા કચેરીએ જમા કરાવવા માટે જતા હતા, તે સમયે કોઇ અજાણ્યા શખ્સો દ્વારા તેમના હાથમાંથી મેન્ડેટ લઈને ફાડી નાંખવામાં આવ્યાં હતાં. જે બાદ ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના જેટલા ફોર્મમાં મેન્ડેટ હતા, તે 5 ફોર્મ ચૂંટણીપંચ દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે, ત્યારે મેન્ડેટ વગરના 31 ફોર્મ ચૂંટણીપંચે રદ્દ કર્યા છે. પાલિતાણા નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 186 ફોર્મ ભરાયાં હતાં, જેમાંથી 127 ફોર્મ રદ્દ થયા છે. જ્યારે 59 ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં છે, જેમાં ભાજપના તમામ 36 ફોર્મ માન્ય જ્યારે કોંગ્રેસના 5 માન્ય અને 31 રદ્દ થયા છે. આ અંગે માહિતી ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી જી. એસ. દવેએ આપી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દિવસેને દિવસે માહોલ ગરમાઇ રહ્યો છે, ત્યારે પાલિતાણા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના મેન્ડેટ ફાડવાની ઘટના બાદ રાજકીય માહોલ ગરયો છે. બે દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ કોઈ અજાણ્યા શ્ખ્સો દ્વારા ફાડી નાખવામાં આવ્યાં હતાં. જે બાદ ફોર્મ ચકાસણીના આખરી દિવસે કોંગ્રેસના 36 પૈકી માત્ર 5 ફોર્મ જ માન્ય રાખવામાં આવ્યાં છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં છે.