અમદાવાદ-

જિલ્લાની પાલીતાણા નગરપાલિકાની ચૂંટણીમાં ભાગ લઈ રહેલા કોંગ્રેસ સમર્થક ઉમેદવારોના છેલ્લી ઘડીએ કેટલાક તત્વોએ મેન્ડેટ ફોર્મ ફાડી નાંખતા ઇલેક્શન લડવા માટે ચૂંટણી અધિકારી હવે તેમનો મેન્ડેટ ફોર્મ સ્વીકારે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. ગુજરાત હાઈકોર્ટમાં કોંગ્રેસ સમર્થક ૩૬ ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે , ૧૩મી ફેબ્રુઆરીના બપોરના ૩ વાગ્યે સુધી મેન્ડેટ ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ જમા કરાવવાનો સમય હતો.

અરજદાર- ૩૬ ઉમેદવારો ૨ઃ૩૦ વાગ્યે પોતાના મેન્ડટ જમા કરાવવાની તૈયારી કરી રહ્યાં હતાં. આ સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના મેન્ડેટ ફોર્મ ઝૂંટવી ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ સમગ્ર બનાવ પાલીતાણા નગરપાલિકાના પરિસરમાં જ બન્યો હતો, જે સીસીટીવી સર્વિલન્સ હેઠળ હોવા છતાં આ મુદ્દે હજી કઈ કરાયું નથી. ૧૫મી ફેબ્રુઆરીના રોજ ફોર્મ સ્ક્રુતિનીનો છેલ્લો દિવસ છે, ત્યારે ઇલેક્શન લડવા માટે ચૂંટણી અધિકારી તેમનો મેન્ડેટ ફોર્મ સ્વીકારે તેવો નિર્દેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવે તેવી દાદ માંગવામાં આવી છે. કોંગ્રેસના ૩૬ ઉમેદવારો પાલીતાણા નગરપાલિકાના ૯ વોર્ડમાંથી ઉમેદવારી નોંધવવા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન કેટલાક તત્વોએ તેમના મેન્ડેટ ફોર્મ ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.